અમૃતપુરમાં માનસિક અસ્થિર વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા
રાજકોટ, ૭૫ વર્ષના એક માનસિક રીતે અસ્વસ્થ વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા હોવાનો ચોંકાવનારો બનાવ અમરેલીના અમૃતપુર ગામમાં બન્યો છે. આ વૃદ્ધને ગામની બહાર આવેલા ખેતરમાં બનાવાયેલી ઓરડીમાં પરિવારજનોએ સાંકળથી બાંધી રાખ્યા હતા. મંગળવારે રાત્રે દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો અને વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતકનું નામ મનુભાઈ સાવલિયા હોવાનું બહાર આવ્યું છે.
ગીર ઈસ્ટ ડિવિઝનના ડેપ્યુટી ડીસીએફ અંશુમાન શર્માએ આ અંગે જણાવ્યું હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે વૃદ્ધ પર દીપડાએ હુમલો કર્યો છે. દીપડો તેમના શરીરનો કેટલોક ભાગ ખાઈ પણ ગયો છે. હાલ મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે અને માનવભક્ષી દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારોમાં પાંજરા પણ ગોઠવવામાં આવ્યા છે.
બીજી તરફ, જે ગામમાં આ ઘટના બની હતી ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મૃતકને ગામની બહાર આવેલા ખેતરમાં બનાવાયેલી ઓરડીમાં તેમના પરિવારજનો સાંકળ સાથે બાંધીને રાખતા હતા.
અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે પીડિતને સાંકળ સાથે બાંધી રખાતા હતા કે કેમ તેવા આક્ષેપોની ખરાઈ કરવા માટે પોલીસની એક ટીમ મોકલવામાં આવી છે. હાલ આ મામલે અકસ્માતે મોતનો કેસ નોંધી તપાસ શરુ કરવામાં આવી છે, અને પ્રાથમિક તપાસ બાદ જાે કંઈ ખોટું થયાના પુરાવા હાથ લાગશે તો તે અનુસાર ગુનો નોંધવામાં આવશે.SSS