અમૃતા રાવ પુત્ર વીર સાથે પહેલી દિવાળી સેલિબ્રેટ કરશે
મુંબઈ: ૧ નવેમ્બરે દીકરાને જન્મ આપનારી બોલિવુડ એક્ટ્રેસ અમૃતા રાવ હાલ માતૃત્વને માણી રહી છે. અમૃતા રાવ અને તેના પતિ આરજે અનમોલે પોતાના પહેલા સંતાનની ઝલક ફેન્સ સાથે શેર કરી હતી તેમજ તેનું નામ ‘વીર’ રાખ્યું હોવાનું જણાવ્યું હતું. એક્ટ્રેસે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં વીરની માતા બનવાની ખુશી વ્યક્ત કરી હતી. કપલને દિવાળી પહેલા જ તેમની કિંમતી ગિફ્ટ મળી ગઈ છે,
ત્યારે આ વર્ષે પરિવાર નવા સભ્ય સાથે કેવી રીતે દિવાળી સેલિબ્રેટ કરવાનો છે તે વિશે પણ તેણે વાત કરી હતી. બાળકનો જન્મ એ એક સ્ત્રી માટે પણ નવા જન્મ સમાન છે. દરેક મિનિટે નવું શીખવા મળે છે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ લાગણીનો અનુભવ કરાવવા બદલ ભગવાનનો આભાર માનું છું. અમારા નવા સભ્ય સાથેની દિવાળી ખરેખર ખાસ રહેવાની છે. આખો પરિવાર સાથે છે. તેથી વીર માટે આ દિવાળી સૂરજ બડજાત્યા સ્ટાઈલ હશે.
જેમાં દાદા-દાદી, નાના-નાની, તેની ફઈ અને માસી તેમજ તેના માતા-પિતા તેની સાથે હશે. આ દિવાળી અમે ઘરે જ હોઈશું. અમે કોઈને ગિફ્ટ મોકલવાના નથી તેમજ સાવચેતીને ધ્યાનમાં રાખીને કોઈની પાસેથી ગિફ્ટ લેવાના પણ નથી. અમે જાતે જ અમારા મિત્રો અને સંબંધીઓને ફોન કરીને શુભેચ્છા પાઠવીશું.
ફટાકડા પણ નહીં ફોડીએ. દિવાળી પ્રકાશનો પર્વ છે તેથી ફટાકડાના બદલે દિવા તેમજ લાઈટિંગ કરીને સેલિબ્રેશન કરીશું. હા ઘણી બધી યાદો છે. જેમાથી એક દિવાળીની વાત કરું તો, અમે સુષ્મિતા સેનના ધાબા પર સાંજ પસાર કરી હતી. આ ‘મે હું ના’ વખતની વાત છે. ફરાહ ખાન, હું અને ઝાયેદ ખાન સુષ્મિતાના ઘરે ગયા હતા. તે વખતે ખૂબ મજા આવી હતી. તે પર્ફેક્ટ દિવાળી હતી.