અમેરિકન કમિશન રિપોર્ટમાં ખુલાસો- ગલવાનના બનાવ માટે ચીન સરકારે બનાવી હતી યોજના
અમેરિકાના એક મહત્ત્વપૂર્ણ કમિશને પોતાના એક રિપોર્ટમાં ભારત અને ચીન વચ્ચે LAC પર ગલવાના વેલી (ખીણ)માં થયેલી અથડામણ મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અમુક તથ્યો પરથી માલુમ પડે છે કે ચીનની સરકારે ગલવાન ખીણની યોજના બનાવી હતી, જેમાં જવાનો પોતાનો જીવ ગુમાવે તેવી પણ આશંકા હતી. અમેરિકા-ચીન આર્થિક સુરક્ષા સમીક્ષા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. આ રિપોર્ટ અમેરિકન સંસદ માટે તૈયાર કરવામાં આવ્યો છે.
કમિશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘટનાના થોડા અઠવાડિયા પહેલા જ ચીનના રક્ષા મંત્રીએ સૈન્યના ઉપયોગની વાત કરી હતી. જે બાદમાં ભારત-ચીન બોર્ડર પર બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. આ અથડામણમાં 1975 પછી પ્રથમ વખતે જાનહાની થઈ હતી.
આ ઉપરાંત ગલવાનની હિંસા પહેલા સેટેલાઇટ તસવીરોમાં ગલવાન ખીણમાં ચીનની બાજુએ મોટા પ્રમાણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવતું હોય તેવું જોવા મળ્યું હતું. આ ઉપરાંત અહીં 1,000 ચીની સૈનિકોની હાજરી પણ જોવા મળી હતી.