Western Times News

Gujarati News

અમેરિકન વિઝા ઈન્ટરવ્યૂ માટે એપોઈન્ટમેન્ટ મળતી ન હોવાથી પરેશાની વધી

અમદાવાદ, કોવિડના કેસ નિયંત્રણમાં આવી ગયા હોવાથી છેલ્લા બે વર્ષમાં જે લોકો ટ્રાવેલ નહોતા કરી શક્યા, તેઓ હવે વિદેશ પ્રવાસ કરીને બધી કસર ભરપાઈ કરવા માંગે છે.

તેમાં ખાસ કરીને ગુજરાતીઓ સૌથી આગળ છે. જાેકે, હાલમાં તેમને અમેરિકન વિઝા માટે એપોઈન્ટમેન્ટ મળતી ન હોવાથી પરેશાની વધી ગઈ છે. અમેરિકન વિઝા માટે ઇન્ટરવ્યૂની તારીખ મેળવવી મુશ્કેલ છે અને યુએસ જવા માંગતા ગુજરાતીઓએ લાંબી રાહ જાેવી પડે છે.

અમદાવાદના રહેવાસી ભાવેશ વોરા અને સીમા વોરાનો જ દાખલો લો. તેઓ અમેરિકા જવા માટે વિઝા મેળવવા લગભગ બે વર્ષથી રાહ જાેઈ રહ્યા છે. વોરા દંપતીની પુત્રી ડેટ્રોઈટમાં ઉચ્ચ અભ્યાસ કરે છે અને તેના માતાપિતા તેને મળવા જવા માંગે છે. વોરા દંપતીને સૌથી પહેલા વિઝા ઇન્ટરવ્યૂ માટે ૨૭ માર્ચ ૨૦૨૦ની તારીખ મળી હતી.

પરંતુ કોવિડના કારણે છેલ્લી ઘડીએ આ ઇન્ટરવ્યૂ કેન્સલ કરવામાં આવ્યો હતો. તેના કારણે તેઓ પુત્રીના પદવીદાન સમારંભમાં હાજરી આપી ન શક્યા. તેમની પુત્રી જુહીને હવે અમેરિકામાં જાેબ મળી ગઈ છે અને તે પોતાના માતાપિતાને મળવા માટે આતુર છે.

ભાવેશભાઈ કહે છે કે, “અમે ગુજરાતી, હિંદી કે અંગ્રેજીમાંથી કોઈ પણ ભાષામાં ઇન્ટરવ્યૂ આપવા માટે તૈયાર છીએ. પરંતુ અમને ઇન્ટરવ્યૂની તારીખ નથી મળી રહી. એક વર્ષ પછી અમારી વિઝાની અરજી એક્સપાયર થઈ ગઈ છે અને અમે અમેરિકન કોન્સ્યુલેટને ફરીથી અરજી પણ નથી કરી શક્યા કારણ કે છેલ્લા બે વર્ષથી ઇન્ટરવ્યૂની નવી તારીખો પણ જાહેર કરવામાં નથી આવી.

ઘણા ગુજરાતીઓ લગ્ન જેવા સામાજિક પ્રસંગે અમેરિકા જવા માંગે છે અથવા તેમના નિકટના સ્વજનોને મળવા માંગે છે, પરંતુ તેમના માટે યુએસના વિઝા મેળવવા મુશ્કેલ બન્યા છે.

રાજકોટના ૫૭ વર્ષીય મહિલા જયશ્રી પંડ્યાને બે વખત વિઝા ઇન્ટરવ્યૂ માટે તારીખ મળી ગઈ ત્યારે તેઓ પોતાની જાતને સદનસીબ માનતા હતા પરંતુ બંને વખત ઈન્ટરવ્યૂ કેન્સલ કરવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે તેઓ ન્યૂયોર્કમાં તેમના પુત્રના લગ્નમાં હાજરી જવા માંગતા હતા. તેઓ લગ્નમાં હાજરી આપવા જઈ ન શક્યા તેના કારણે તેના પુત્રે કોર્ટ મેરેજ કરી લીધા.

જયશ્રી પંડ્યા કહે છે કે, “મારા પુત્રે પણ ભારતના વિઝા મેળવવા પ્રયાસ કર્યો, પરંતુ તેને વિઝા ઈન્ટરવ્યૂ માટે તારીખ ન મળી. તેથી તેણે યુએસમાં કોર્ટ મેરેજ કરી લીધા. અમેરિકન ઓથોરિટીએ તાજેતરમાં તેને નવેમ્બરની તારીખો આપી છે. આશા રાખીએ કે અમારા પરિવારનું ફરીથી મિલન થઈ શકશે.”SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.