અમેરિકાએ ઇઝરાયેલને ૫.૪ હજાર કરોડના હથિયારોના વેચાણને લીલી ઝંડી આપી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/The-United-1-1024x538.jpg)
Files Photo
વોશિંગ્ટન: ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં અમેરિકાએ ઇઝરાયેલને ૫.૪ હજાર કરોડના હથિયારોના વેચાણને લીલી ઝંડી આપી દીધી છે.પેલિસ્ટાઇન સાથે યુદ્ધ છતા અમેરિકાના બાઇડન પ્રશાસને આ હિથયારોની ખરીદીને મંજૂરી આપી છે જેનો અમેરિકન સંસદમાં વિરોધ ન થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઇ રહી છે. પાંચમી તારીખે સંસદને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. અમેરિકામાં આ ડીલને લઇને વિરોધ થવાની શક્યતાઓ ઓછી છે કેમ કે અમેરિકાનો સત્તાપક્ષ અને વિરોધીઓ બન્ને ઇઝરાયેલના સમર્થક રહ્યા છે.
બીજી તરફ ઇઝરાયેલ દ્વારા હજુ પણ ગાઝા બોર્ડર પર બોમ્બમારો અને હવાઇ હુમલા જારી છે. જેને પગલે અત્યાર સુધીમાં ૨૦૧ પેલેસ્ટાઇની નાગરીકો માર્યા ગયા છે જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
ખાસ કરીને ગાઝાપટ્ટી વિસ્તારમાં આખેય આખા ઘર ઇઝરાયેલના હુમલામાં ઉડાવી દેવામાં આવ્યા છે. જેના કરૂણ વીડિયો અને તસવીરો પણ સામે આવી રહી છે. ઇઝરાયેલ પોતાના યુદ્ધ વિમાનો દ્વારા ગાઝામાં બોમ્બમારો કરી રહ્યા છે. જેને પગલે આ યુદ્ધ હાલ શાંત ન થાય તેવી શક્યતાઓ છે.
ઇઝરાયેલે દાવો કર્યો છે કે અમે હમાસના ઉગ્રવાદીઓ જે ટનલમાં છુપાયેલા હતા તેના પર આ બોમ્બમારો કર્યો હતો જ્યારે પેલેસ્ટાઇનના સૃથાનિક મીડિયા અને અહેવાલોમાં દાવો કરાયો છે કે સામાન્ય નાગરિકોના ઘરો પર આ બોમ્બ ફેકવામાં આવ્યા જેને પગલે કેટલાકના તો આખા પરિવારના મોત નિપજ્યા છે. દસમી મેથી આ વિસ્તારમાં ઘર્ષણ જારી છે.