અમેરિકાએ રશિયન કંપનીઓ પર મુકેલા પ્રતિબંધના કારણે હીરા ઉદ્યોગની પરેશાની વધી
સૌરાષ્ટ્રના ડાયમંડ ઉદ્યોગની કમર તૂટી ગઈ, નફામાં ૨૫%નો ફટકો-રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારે નુકસાન
અમદાવાદ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ ને ૧૦૦ દિવસ કરતા વધુ સમય થઈ ગયો છે. તેની અસર ઓઈલ અને ફૂડ ઈન્ડસ્ટ્રી પર પડી છે અને સાથે સાથે ગુજરાતનો ડાયમંડ ઉદ્યોગ પણ ભીંસમાં આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં ઘણી જગ્યાએ નાના પાયે ડાયમંડ પોલિશિંગના યુનિટ ચાલે છે
જેના લાખો કામદારોને આ યુદ્ધની અસર થઈ છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું કે રાજ્યના ડાયમંડ ઉદ્યોગમાં લગભગ ૧૫ લાખ કામદારોને રોજગારી મળે છે.
આ ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગે રશિયામાંથી આવતા સ્મોલ-સાઈઝના રફ ડાયમંડનો ઉપયોગ થતો હોય છે જેની અત્યારે અછત છે. તેના કારણે ગુજરાતના ડાયમંડ બિઝનેસે આફ્રિકન દેશો અને બીજી જગ્યાએથી મોંઘા ડાયમંડ મગાવવા પડે છે જેથી તેમના નફાને અસર થાય છે.
ઘણા ડાયમંડ યુનિટ્સે હાલમાં તેમના કામકાજના કલાકો ઘટાડી નાખ્યા છે અને કામદારોના વેતન પણ ઘટી ગયા છે. ગુજરાતમાં મોટી સાઈઝના ડાયમંડનું પોલિશિંગ ખાસ કરીને સુરતમાં થાય છે. અમેરિકામાં વેચાતા ૭૦ ટકા કટ અને પોલિશ્ડ ડાયમંડને ભારતથી આયાત કરવામાં આવે છે.
અમેરિકાએ રશિયન કંપનીઓ પર મુકેલા પ્રતિબંધના કારણે પણ ગુજરાતમાં હીરા ઉદ્યોગની પરેશાની વધી છે. નાવડિયા કહે છે કે અમેરિકાની કેટલીક કંપનીઓએ તેમને ઇમેઈલ મોકલીને જણાવ્યું છે કે તેઓ રશિયન ઓરિજિનનો માલ નહીં ખરીદે. સુરતમાં વિશ્વ વિખ્યાત ડાયમંડ ઉદ્યોગ ઉપરાંત ગુજરાતમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલે છે.
નાવડિયાએ કહ્યું કે, “અમે ૨૭ ટકા જેટલા રફ ડાયમંડની રશિયાથી આયાત કરીએ છીએ. પરંતુ યુદ્ધના કારણે ગુજરાતમાં પ્રોસેસિંગ યુનિટ્સ સુધી બહુ ઓછો સપ્લાય પહોંચે છે. ગુજરાતમાં ડાયમંડ ઉદ્યોગમાં જે વર્કફોર્સ કામ કરે છે તેમાંથી લગભગ અડધા કામદારો નાની સાઈઝના ડાયમંડ પર કામ કરે છે જેને સ્થાનિક ભાષામાં પાટલી કહે છે.”
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું તે અગાઉ ગુજરાતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી લગભગ ૩૦ ટકા ડાયમંડ રશિયાની કંપની અલ્સોરા પાસેથી ખરીદવામાં આવતા હતા. અમરેલી સ્થિત ડાયમંડ ટ્રેડર લલિત ઠુમ્મરે જણાવ્યું કે, “રશિયા-યુક્રેન યુદ્ધના કારણે રફ ડાયમંડની અછત છે. તેથી અમે આફ્રિકન દેશો પાસેથી ઉંચા ભાવે ડાયમંડ ખરીદી રહ્યા છીએ. તેનાથી અમારા નફાના માર્જિનને લગભગ ૨૫ ટકા જેટલી અસર થઈ છે.