અમેરિકાથી પરત આવ્યા બાદ ઘરે જઈ રહેલી મરાઠી ગાયિકાનું અકસ્માતમાં મોત
થાણે, મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક રોડ અકસ્માતમાં મરાઠી પાશ્વ ગાયિકાનું મોત થયું છે. પોલીસે ગુરુવારે આ માહિતી આપી હતી. મળતી માહિતી પ્રમાણે ગીતા માલી નામની ગાયિકાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. ગીતા માલીએ મરાઠી ફિલ્મોમાં ગીતો ગાયા છે. મુંબઈ-આગ્રા હાઇવે પર આ અકસ્માત થયો હતો. અમેરિકામાંથી ભારત આવ્યા બાદ ગીતા કાર લઈને પોતાના પતિ સાથે તેમના વતન નાસિક જઈ રહી હતી ત્યારે તેમની કાર અકસ્માતનો ભોગ બની હતી.
મળતી માહિતી પ્રમાણે ગીતા જે કારમાં સવાર હતી તે કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં ગીતા અને તેનો પતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત બાદ એકઠા થયેલા લોકોએ ગીતા અને તેના પતિને હોસ્પિટલમં ખસેડ્યા હતા.
શાહપુર ગ્રામ્ય હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન ગીતાનું મોત થયું છે. ગીતા માલી અમેરિકાના ન્યૂયોર્ક ખાતે પોતાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પોતાના પતિ વિજય સાથે સ્વદેશ પરત ફરી હતી. ગીતાની ગણતરી નાશિકની ઉભરતી ગાયિકા તરીકે કરવામાં આવતી હતી. અમેરિકાથી પરત ફરીને ગીતાએ મુંબઈ એરપોર્ટ પરથી એક ભાવુક પોસ્ટ પોતાના ફેસબુક પર શેર કરી હતી. જેમાં તેણીએ સ્વદેશ પરત ફરવાની ખુશી વ્યક્ત કરી હતી. ગીતાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકમાં માસ્ટર્સની ડીગ્રી મેળવી છે. આ ઉપરાંત તેણી ગીત ગંગા મ્યુઝિકલ બેન્ડ પણ ચલાવતી હતી.