Western Times News

Gujarati News

અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થયું

અમેરિકાના ઈતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે અને ન્યૂયોર્કમાં ઈન્ટેસિવ કેર નર્સ કોરોના વેક્સીન મેળવનારી પ્રથમ અમેરિકન બની છે. વિશ્વમાં અમેરિકામાં કોરોનાથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત દેશ છે. અમેરિકામાં અત્યાર સુધી કોવિડ-૧૯થી થનારો મૃત્યુઆંક ૩,૦૦,૦૦૦ની નજીક પહોંચી ગયો છે. યુકે બાદ અમેરિકામાં કોવિડ-૧૯ માટે રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે.

શનિવારે અમેરિકાના એફડીએ દ્વારા ફાઈઝર-બાયોએનટેકની કોરોના વેક્સીનને મંજૂરી આપી હતી અને ત્યારબાદ હવે સમગ્ર દેશમાં રસીકરણ શરૂ થઈ ગયું છે. ઈન્ટેન્સિવ કેર નર્સ સાન્ડ્રા લિન્ડસે કોરોના વેક્સીન લેનારી પ્રથમ અમેરિકન બની છે. તેણે સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે ક્વીન્સમાં લોંગ આઈલેન્ડ જ્યુઈશ મેડિકલ સેન્ટરમાં વેક્સીન લીધી હતી તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું.

વેક્સીન લીધા બાદ તેણે જણાવ્યું હતું કે, મને અન્ય વેક્સીન લીધી હોય તેવી જ લાગણી થઈ છે. હું ઘણી રાહત અનુભવુ છું. મને આશા છે કે આનાથી આપણા દેશના સૌથી પીડાદાયક સમયનો અંત આવશે. હું લોકોને વિશ્વાસ અપાવવા ઈચ્છું છું કે વેક્સીન એકદમ સુરક્ષિત છે. નર્સ દ્વારા પ્રથમ વેક્સીન લીધા બાદ અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઘણા જ ઉત્સાહિત જાેવા મળ્યા હતા. તેમણે ટિ્‌વટ કરીને અમેરિકા સહિત સમગ્ર વિશ્વને અભિનંદન પાઠવ્યા હતા. તેણે ટિ્‌વટ કર્યું હતું કે, પ્રથમ વેક્સીન અપાઈ ગઈ છે.

અભિનંદન અમેરિકા! અભિનંદન વિશ્વ! નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈચ્છતા હતા કે અમેરિકન પ્રમુખ પદ માટેની ચૂંટણી અગાઉ જ વેક્સીન આપવામાં આવે પરંતુ તેવું શક્ય બન્યું ન હતું. સોમવારે સવારે શિપમેન્ટમાં ફ્રોઝન વેક્સીન હોસ્પિટલોમાં પહોંચી હતી. જેથી કરીને હેલ્થ કેર કર્મચારીઓ તથા નર્સિંગ હોમ રેસિડેન્ટ્‌સને પ્રથમ વેક્સીન મળે. અમેરિકામાં અત્યાર સુધી ૨,૯૯,૧૬૩ લોકોના મોત થયા છે જ્યારે ૧૬.૨૫ મિલિયન લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુઆંક વધી રહ્યો છે.

તેથી વેક્સીન અમેરિકા માટે ઘણા મોટા રાહતના સમાચાર છે. રવિવારે ફાઈઝરના મિશિગનમાં કાલામાઝૂ પ્લાન્ટમાંથી કોરોના વેક્સીનનો ૨.૯ મિલિયન ડોઝનો પ્રથમ જથ્થો ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ ખાતે મોકલવાની શરૂઆત થઈ હતી. ફર્માની જાયન્ટ કંપની ફાઈઝરે જણાવ્યું હતું કે, ત્રણ મિલિયન ડોઝનો પ્રથમ જથ્થો ૬૪ રાજ્યો, યુએસ ટેરેટરિઝ અને મોટા શહેરો તથા ફેડરલ એજન્સીઓને પહોંચાડવામાં આવશે.

વેક્સીનનો બીજાે અને ત્રીજાે જથ્થો મંગળવારે અને બુધવારે પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે રવિવારે અમેરિકામાં કોરોનાના ૧,૮૬,૮૮૦ નવા કેસ નોંધાયા હતા. કોવિડ ટ્રેકિંગ પ્રોજેક્ટના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં છેલ્લા સાત દિવસની સરેરાશ ૨,૧૧,૪૯૪ કેસની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.