અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા અરવલ્લી જિલ્લાના ૫૦૦૦થી વધુ કાર્યકરો અમદાવાદ જશે

(પ્રતિનિધિ) મોડાસા: આગામી તા.૨૪મી ફેબ્રુઆરીએ અમદાવાદની મુલાકાતે આવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સાંભળવા કાર્યકરોને અમદાવાદ મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમ માટે જવા આહવાન કરવા અને એનો લાભ લેવા અને કાર્યકર્તાઓને લઈ જવા આયોજન વ્યવસ્થા કરવા પ્રદેશ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્નભટ્ટ,સાંસદ દિપસિંહ રાઠોડ,જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલ,એસ.એમ.ખાંટ,જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજાઇ હતી.જેમાં કરાયેલા આયોજન મુજબ એકલા અરવલ્લી જિલ્લામાંથી ૫ હજારથી વધુ કાર્યકર્તાઓ અમદાવાદ જશે.
આજરોજ જિલ્લા પ્રદેશ કાર્યાલય ખાતે યોજાયેલ અપેક્ષિત કાર્યકરોની આ બેઠકમાં પ્રદેશ મહામંત્રી શબ્દ શરણ બ્રહ્નભટ્ટએ જણાવ્યું કે. સૌથી મોટી મહાસત્તા અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલીવાર ગુજરાત-અમદાવાદ આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહને કારણે વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે આવી રહ્યા છે.એ મોટું ગૌરવ અને આનંદની વાત છે.
લોકોમાં ટ્રમ્પ માટે ખાસ આદર છે,ખાસ કરીને ભારતીય નિવાસી લોકોમાં એમના માટે સવિશેષ સન્માન છે .એવા ટ્રમ્પની ગુજરાતની મુલાકાત એક મોટી ઘટના છે. દુનિયાના મોટા કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો ત્યાં રજૂ થવાના છે.એવા કાર્યક્રમોમાં નિહાળવા એક લ્હાવો હશે.
એક મોટી મહાસત્તા અમેરિકાના પ્રમુખ અને એક મોટી લોકશાહી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી..બન્ને એક જ સ્ટેજ ઉપર, એક સાથે જોવા કાર્યક્રરો માટે ઐતિહાસિક ઘટના બની રહેશે તેમ એમણે જણાવ્યું હતું.ટ્રમ્પ સીધા જ અમેરિકાના પ્રમુખ સીધા ભારતમાં દિલ્હી કે બીજા કોઈ મોતા શહેરમાં નહિ પણ સીધા જ ગુજરાત અને અમદાવાદમાં આવવાના છે એ પણ મોટી વાત છે .
આ બેઠકમાં પ્રદેશ સભ્ય કનુભાઈ પટેલ,જિલ્લા ઉપપ્રમુખો અતુલભાઈ બ્રહ્નભટ્ટ,નીલાબેન મોડિયા અને ભૂપતસિંહ સોલંકી, પૂર્વ ધારાસભ્યો દિલીપસિંહ પરમાર,હીરાજી ડામોર, ધવલસિંહ ઝાલા, બક્ષીપંચ મોરચા પ્રમુખ ભીખાજી ડામોર, અનુ.જાતિ મો.પ્રમુખ દિનેશભાઈ, મહિલા મોરચા જલ્પાબેન ભાવસાર અને વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રભાઈ પટેલ,જિલ્લા સંગઠનના મંત્રીઓ, તમામ મોરચા સેલના પ્રમુખો, મોડાસા તાલુકા પ્રમુખ ભીખુસિંહ, મહામંત્રી રમેશભાઈ પી.પટેલ અને અંકિતભાઈ પટેલ સહિત તાલુકા ભાજપના પ્રમુખો-મહામંત્રીઓ,મંત્રીઓ,કારોબારી સભ્યો સહિતના અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકનું સંચાલન મહામંત્રી શામળભાઈ પટેલે કર્યું હતું.*