અમેરિકાની ઇલેક્ટ્રિક કારઉત્પાદક ટેસ્લા કંપનીને ગુજરાત લાવવા રાજ્ય સરકાર સક્રિય

નવી દિલ્હી, થોડા સમય પહેલાં વિશ્વની સૌથી પ્રચલિત ઇલેક્ટ્રિક કારઉત્પાદક અમેરિકાની ટેસ્લા કંપનીના સ્થાપક એલન મસ્કે ભારતમાં રસ દાખવવાની વાત કર્યા બાદ ગુજરાત સરકાર આ કંપનીને રાજ્યમાં લાવવા માટે સક્રિય થઇ છે.
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત કરતાં રાજ્ય સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે અમે ટેસ્લાના સંપર્કમાં છીએ અને અમારા પ્રયત્નો છે કે ટેસ્લા ગુજરાતમાં આવે. કંપની ઓફિશિયલ સાથે અમે કમ્યુનિકેશન શરૂ કર્યું છે. જોકે અધિકારીએ વધુ વિગતો જાહેર કરી ન હતી અને કહ્યું હતું કે સમગ્ર મામલો હજુ પ્રારંભિક તબક્કે છે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટેસ્લા સાથે થોડા સમય પહેલાં જ કમ્યુનિકેશન શરૂ કરવામાં આવ્યું છે અને અમે અમારા તરફથી ગુજરાતમાં રોકાણના સંદર્ભમાં કેટલી તકો છે એ મુદ્દે આગામી દિવસોમાં ચર્ચા કરીશું.
આ ઉપરાંત અમારા પ્રયત્નો પણ રહેશે કે ટેસ્લા આગામી જાન્યુઆરી 2021માં યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ભાગ લે. જોકે હજુ વાતચીત શરૂ થઇ છે એટલે આ બાબતે વધુ કઈ કહી શકાય નહીં.