અમેરિકાની ચૂંટણી લોહીયાળ બનવાની દહેશત: બંદુકોના વેચાણમાં રેકોર્ડબ્રેક વધારો
વૉશિંગ્ટન, અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હથિયારોનુ વેચાણ પણ વધી રહ્યુ છે.
ફેસબૂક સીઈઓ માર્ક ઝુકરબર્ગે તાજેતરમાં જ ચેતવણી આપી હતી કે, અમેરિકામાં ચૂંટણીના પરિણામો જાહેર થવામાં વિલંબ થયો તો હિંસા ફાટી નીકળે તેવી શક્યતાઓ છે.આવામાં હથિયારોનુ જે રીતે ધૂમ વેચાણ થઈ રહ્યુ છે તે ચિંતાજનક તો છે જ.હથિયારોની ખરીદી માટે થઈ રહેલા ધસારા બાદ અમેરિકાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે પોતાના રિટેલ સ્ટોરમાં બંદુકો અને દારુગોળાનુ વેચાણ રોકી દીધુ છે.
અમેરિકામાં ચૂંટણી પરિણામ એક તરફી રહ્યુ તો હિંસા ફાટી નીકળવાની પૂરી શક્યતાઓ હોવાની ચેતવણી અપાઈ રહી છે.કોરોનાના સંક્રમણ અને તાજેતરમાં અમેરિકામાં થયેલી વંશીય હિંસા બાદ બંદુકોના વેચાણમાં ભારે ઉછાળો આવ્યો છે.એક અનુમાન પ્રમાણે પચાલ લાખ લોકો એવા છે જેમણે પહેલી વખત તાજેતરમાં કોઈને કોઈ હથિયાર ખરીદયુ છે.
અમેરિકામાં લોકોને બંદુકો રાખવાની છુટ છે.દુનિયામાં અમેરિકા જ એવો દેશ છે જ્યાં અલગ અલગ પ્રકારની ગનની સંખ્યા દેશની કુલ વસતી કરતા પણ વધારે છે.અમેરિકામાં દર 100 નાગરિકે 120 બંદુકો છે.આ સ્થિતિમાં પ્રમુખપદની ચૂંટણીના પરિણામોથી ભડકો થઈ શકે છે.
ઝુકરબર્ગે કહ્યુ હતુ કે, દેશ વહેંચાઈ ગયો છે અને દેશમાં આંતરિક વિગ્રહનો ખતરો મંડરાઈ રહ્યો છે.ટ્રમ્પ પણ અગાઉ કહી ચુક્યા છે કે, ચૂંટણીમાં મારા વિરુધ્ધ પરિણામ આવ્યુ તો મારા રાઈટ વિંગ સમર્થકો કાર્યવાહી કરવા માટે તૈયાર છે.એક અભ્યાસ પ્રમાણે અમેરિકાના પેન્સિલવેનિયા, મિશિગન, જ્યોર્જિયા અને વિસ્કોન્સિન જેવા ચૂંટણીની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ રાજ્યોમાં ટ્રમ્પ સમર્થક હથિયારધારી ગ્રૂપ મોટી સંખ્યામાં છે અને તેમનાથી સૌથી વધારે ખતરો છે.
આ પૈકીના કેટલાક જૂથોએ ખુલીને ડોનાલ્ડ ટ્રમ્પનુ સમર્થન કર્યુ છે.ટ્રમ્પ ના જીતે તો આ ગ્રૂપોએ રસ્તા પર ઉતરવાની ધમકી આપી છે.ટ્રમ્પ પણ કહી ચુક્યા છે કે, પરિણામ મારી વિરુધ્ધ આવ્યા તો તેને સ્વીકારવામાં નહીં આવે.ટ્રમ્પે મતદાન પ્રક્રિયા પર પણ શંકા વ્યક્ત કરી છે.