અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડ આપવાની ઝડપ વધારી
અમેરિકાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અપાતા ગ્રીન કાર્ડની લિમિટ વાર્ષિક ૧,૪૦,૦૦૦ની છે. જેમાં ઈબી-૧, ઈબી-૨, ઈબી-૩, ઈબી-૪ અને ઈબી-૫ એ પાંચ કેટેગરીમાં આપવામાં આવે છે.
અમેરિકા:અમેરિકાનું ગ્રીન કાર્ડ મેળવવું એ અમેરિકામાં કામ કરતા દરેક વિદેશીનું સપનું હોય છે. તેમાંય, ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છતા ભારતીયોની યાદી તો ઘણી લાંબી છે. જોકે, હવે અમેરિકામાં રહેતા ભારતીયો માટે થોડી રાહત આપતા અહેવાલ મળી રહ્યા છે.
અમેરિકાની સરકારે એચ-૧બી અને એલ-૧ વીઝા ધરાવનારાને ગ્રીન કાર્ડ આપવાની ઝડપ વધારી છે. હવે, જે કર્મચારીએ ૧ જાન્યુઆરી, ૨૦૧૫ પહેલા ગ્રીન કાર્ડ માટે અરજી કરી હશે તેઓ તેમનું ગ્રીન કાર્ડ મેળવવા ફાઈનલ પ્રોસેસ શરૂ કરી શકશે.
અત્યાર સુધી આ તારીખ ૧ ફેબ્રુઆરી, ૨૦૧૦ હતી. આમ, અમેરિકાની સરકારે ગ્રીન કાર્ડ માટે અરજીની પ્રોસેસ હાથમાં લેવામાં પાંચ વર્ષનો ફેરફાર કર્યો છે. પાંચ વર્ષનો આ ફેરફાર ગ્રીન કાર્ડ માટે રાહ જોઈ રહેલા હજારો ભારતીયોને ફાયદો કરાવશે. તેનું મહત્વ સમજવા માટે અમેરિકામાં હાલના ગ્રીન કાર્ડ લેન્ડસ્કેપને સમજવું જરૂરી છે.
અમેરિકાની કંપનીમાં કામ કરતા કર્મચારીઓને અપાતા ગ્રીન કાર્ડની લિમિટ વાર્ષિક ૧,૪૦,૦૦૦ની છે. જેમાં ઈબી-૧, ઈબી-૨, ઈબી-૩, ઈબી-૪ અને ઈબી-૫ એ પાંચ કેટેગરીમાં આપવામાં આવે છે.
દરેક દેશના વધુમાં વધુ ૭ ટકા કર્મચારીને આ વીઝા આપવામાં આવે છે. તેમાંથી ભારતીયો ઈબી-૨ અનેઈબી-૩ વધુ લાગુ પડે છે, જેમાં મોટાભાગના એચ-૧બી અને એલ-૧ વીઝા હોલ્ડર બંધ બેસે છે. એચ-૧બી અને એલ-૧ વીઝા મેળવનારાઓમાં ભારતીયો સૌથી વધુ છે અને ઈબી-૨ (એડવાન્સ્ડ ડિગ્રી હોલ્ડર્સ) અને ઈબી-૩ કેટેગરીમાં અમેરિકાના ગ્રીન કાર્ડ માટે અરજી કરનારાઓમાં પણ ભારતીયોની સંખ્યા સૌથી વધુ હોય છે.
અમેરિકાની ઈમિગ્રેશન થિંક ટેન્ક સીએટીઓના અંદાજ મુજબ, આ કેટેગરીમાં ૨૦૧૯માં અરજી કરનારા ભારતીયોની સંખ્યા ૭ લાખની આસપાસ હતી. એનો અર્થ એ છે કે, દર વર્ષે ઘણા ઓછા ભારતીયોને ગ્રીન કાર્ડ મળે છે. રિપોર્ટ મુજબ, એ રીતે જોઈએ તો ભારતીયોને તેમના ગ્રીન કાર્ડ માટે ૧૯૫ વર્ષ સુધી રાહ જોવી પડી શકે છે. ઓક્ટોબરના વીઝા બુલેટિને ઈબી-૩ માટે લાગેલી લાઈનને લઈને બે બાબતોમાં ફેરફાર કર્યો છે.