અમેરિકાને સંકટથી ઉગારવા બાઇડેન હવે રુઝવેલ્ટના માર્ગે
વોશિંગ્ટન: અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જાે બાઇડેને પદ સંભાળ્યાને હજુ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. આટલા ઓછા સમયમાં તેમણે ટ્રમ્પના ર્નિણયો બદલીને પેરિસ સમજૂતીમાં વાપસી, એચ-૧બી સહિત ૪૫ મોટા આદેશો પર સહી કરી નાખી. સાથે જ ઝડપથી કામ કરવાનો વિક્રમ સર્જ્યો છે. ઝડપથી ર્નિણયો કરવાનું મોટું કારણ બાઇડેનનું હોમવર્ક છે.
તેમણે જે સ્થિતિમાં દેશ સંભાળવો પડ્યો છે તેવા સંકટનો ૭-૮ દાયકામાં અમેરિકાના બીજા એકેય રાષ્ટ્રપતિએ નથી કરવો પડ્યો.
તેથી તેમણે પદ સંભાળતા પહેલાં ઘણાં અઠવાડિયા સુધી પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રુઝવેલ્ટ અંગેના પુસ્તકો, તેમની આત્મકથા તથા પ્રથમ ૧૦૦ દિવસના કામની પ્રાથમિકતાનો ગહન અભ્યાસ કર્યો. રુઝવેલ્ટના પગલે ચાલવાનું સૌથી મોટું કારણ ત્યારની અને હાલની સ્થિતિ વચ્ચેની સમાનતા છે. રુઝવેલ્ટની જેમ જ બાઇડેન પોતાની ઝડપ જારી રાખવા માગે છે.
તેથી જ ફેબ્રુ.માં સંસદ શરૂ થાય ત્યારે તેઓ સૌપ્રથમ ૧.૯ લાખ કરોડ ડોલર (અંદાજે ૧૪૦ લાખ કરોડ રૂ.)ના કોરોના પેકેજને મંજૂરી આપવા માગે છે.
રુઝવેલ્ટના પ્રથમ ૧૦૦ દિવસના કામ અંગે લખનારા મેસેચ્યૂસેટ્સ એમહર્સ્ટ યુનિ.માં સ્કૂલ ઑફ પબ્લિક પોલિસીના ડાયરેક્ટર અલસાદેયર રોબર્ટ્સે જણાવ્યું કે બાઇડેને સત્તા સંભાળતાં જ ઘણાં સારા ર્નિણયો લીધા છે. પ્રાથમિતા અને ઝડપી ર્નિણયોથી ટ્રમ્પના ર્નિણયોથી જે નુકસાન થયું હતું તે ભરપાઇ થવાનું શરૂ થઇ ગયું છે.
રુઝવેલ્ટે ૧૯૩૩માં દેશનું સુકાન સંભાળ્યું ત્યારે અમેરિકામાં ભારે મંદી હતી. ૨૦%થી વધુ વસતી બેરોજગાર હતી. રુઝવેલ્ટે લોકોને રોજગારી મળે તે માટે ઘણાં કાર્યક્રમ ચલાવ્યા. તેમણે ઇમરજન્સી બેન્કિંગ, સામાજિક સુરક્ષા કાયદો લાગુ કરાવ્યો. તેમના પ્રયાસોથી અર્થતંત્ર પાટા પર પણ આવ્યું.
ટ્રમ્પના સૌથી મોટા ડોનર જૂલી જેનકિન્સ ફેન્સલીએ જ કેપિટલ હિલની રેલી માટે ૩ લાખ ડોલર (અંદાજે ૨.૨ કરોડ રૂ.) આપ્યા હતા. વૉલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. બાદમાં તે લોકોએ જ અમેરિકી રાજધાનીમાં તોફાનો કર્યા હતા.
રિપોર્ટ મુજબ, સુપરમાર્કેટ ચેનના માલિક જૂલી ટ્રમ્પના અભિયાનમાં સૌથી મોટા દાતાઓ પૈકી એક છે. ટ્રમ્પ સામે આક્ષેપ થઇ રહ્યા છે કે વ્હાઇટ હાઉસમાં ટકી રહેવા તેમણે સમર્થકોને ઉશ્કેર્યા હતા. આ કારણથી જ તોફાનો થયા હતા.