અમેરિકાનો આદેશ- 72 કલાકમાં ચીન હ્યુસ્ટન વાણિજ્ય દૂતાવાસ બંધ કરે
વોશિંગ્ટન : અમેરિકા અને ચીન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્ર્મ્પ સરકારે એક મોટં પગલું ભરતા બુધવારે ચીનને પોતાના હ્યુસ્ટન સ્થિત મહાવાણિજ્ય દૂતાવાસ 72 કલાકમાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકાના આ આદેશ પછી દૂતાવાસની અંદરથી ધુમાડો બહાર આવતો જોવા મળ્યો હતો. એમ માનવામાં આવે છે કે ચીની કર્મચારીઓ ગોપનીય દસ્તાવેજો સળગાવી રહ્યા છે. અમેરિકાના આ પગલા પછી ચીન પણ ભડક્યું છે અને તેણે પણ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.
એક રિપોર્ટ પ્રમાણે હ્યુસ્ટન પોલીસ પણ વાણિજ્ય દૂતાવાસની બહાર છે પણ ડિપ્લોમેટિક અધિકારોના કારણે અંદર પ્રવેશ કરી શકે નહીં. પોલીસે જણાવ્યું કે લોકોએ દૂતાવાસની અંદરથી ધુમાડો નીકળતો જોઈને તેમને સૂચના આપી હતી જે પછી અમે અહીં આવ્યા છીએ. જોકે ચીની અધિકારીઓએ તેમને અંદર જવાની મંજૂરી આપી ન હતી. કોલ્ડ વોર પછી એવું પ્રથમ વખત બન્યું કે અમેરિકાએ આ રીતે કોઈપણ દેશના દૂતાવાસને બંધ કરવાનો આદેશ જાહેર કર્યો હોય.
આટલા ઓછા સમયમાં મહાવાણિજ્ય દૂતાવાસ ખાલી કરવાના આદેશથી ચીનના વિદેશ મંત્રાલયમાં હડકંપ મચી ગયો છે. અમેરિકાના આદેશ પછી ચીની દૂતાવાસની અંદર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ચીની કર્મચારી મોટી સંખ્યામાં ગોપનીય દસ્તાવેજો સળગાવતા જોવા મળ્યા હતા. કર્મચારીઓના દસ્તાવેજ સળગાવતા ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.
ચીનના વિદેશ મંત્રાલયે અમેરિકાના આ પગલાંની સખત ટિકા કરી છે અને કહ્યું કે અમેરિકાએ આ ખોટા આદેશને પાછો ના લીધો તો તે એક ન્યોયોચિત અને આવશ્યક જવાબી કાર્યવાહી કરશે.