અમેરિકામાં ખરાબ હવામાન અને સ્ટાફની અછતના કારણે ૪૦૦થી વધુ ફ્લાઇટ રદ કરાઈ

પ્રતિકાત્મક
વોશિંગ્ટન, અમેરિકામાં ખરાબ હવામાન અને સ્ટાફની અછતના કારણે એરલાઇન્સો સામે મોટો પડકાર સર્જાયો છે. ઘણી એરલાઇન્સોને સેંકડોની સંખ્યામાં ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી છે.અમેરિકન એરલાઇન્સ ગ્રુપને ૪૦૦ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. જે તેની કુલ ફ્લાઇટ્સનો ૧૫ ટકા હિસ્સો છે. જ્યારે રવિવારે તેણે ૨૫૦ ફ્લાઇટ્સ રદ કરી છે. એ જ રીતે સાઉથવેસ્ટ એરલાઇન્સે શનિવારે ૮૦ જ્યારે રવિવારે ૨૦ ફ્લાઇટ્સ રદ કરી છે.
વૉલ સ્ટ્રીટ જર્નલની હવાઈ પ્રવાસ પર નજર રાખતી વેબસાઇટ ફ્લાઇટઅવેરના અહેવાલમાં આ વિગતો આપવામાં આવી હતી. તેના જણાવ્યા પ્રમાણે ફ્લાઇટ્સ રદ કરવા માટે ખરાબ હવામાનનું કારણ આપવામાં આવે છે પણ મોટું કારણ સ્ટાફની અછત છે. એરલાઇન્સોને સૌથી વધુ ફ્લાઇટ અટેન્ડન્ટ્સની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે કોરોના સંક્રમણમાં ઘટાડો થતા વિમાન પ્રવાસીઓમાં મોટો વધારો થયો છે.
ખરાબ હવામાન અને સ્ટાફની તંગીથી એરલાઇન્સોની હાલત કફોડી બની છે. આ મહિનાની શરૂઆતમાં સાઉથ વેસ્ટ એરલાઇન્સે ૪૮ કલાકમાં જ ૧૯૦૦ ફ્લાઇટ્સ રદ કરી હતી. જેના કારણે એરપોર્ટ્સ પર લાંબી કતારો જાેવા મળી હતી.HS