Western Times News

Gujarati News

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાના મામલે તપાસ થશે

અમદાવાદ, શનિવારે સમાચાર આવ્યા હતા કે કેનેડા-યુએસ બોર્ડર પર ગુજરાતના એક પરિવારના ચાર સભ્યોના ઠંડીમાં ઠૂંઠવાઈને મોત થયા છે. આ પરિવારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે, આ મામલે ત્રણ દેશોની પોલીસ તપાસ કરશે તેમ ગુજરાત પોલીસે રવિવારે જણાવ્યું હતું. કેનેડા અને યુએસની સિક્યોરિટી એજન્સી તેમજ ભારતીય પોલીસ ગેરકાયદેસર ઈમિગ્રેશનના રેકેટની તપાસ કરશે, તેમ ગુજરાત પોલીસનું કહેવું છે.

ગાંધીનગર અને મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના અમેરિકા જવા અધીરા બનેલા લોકોને ટાર્ગેટ કરતા હ્યુમન ટ્રાફિકિંગ નેટવર્કનો પર્દાફાશ કરવા માટે રાજ્યના સીઆઈડી (ક્રાઈમ)ને કામગીરી સોંપવામાં આવી છે, તેમ અધિકારીએ જણાવ્યું. યુએસ-કેનેડાની બોર્ડર પર મૃત્યુ પામેલો પરિવાર ગાંધીનગરના કલોલ તાલુકાના નવા ડીંગુચા ગામનો હતો.

૩૫ વર્ષીય જગદીશ પટેલ, પત્ની વૈશાલી (૩૩ વર્ષ), દીકરી વિહાંગના (૧૨ વર્ષ) અને દીકરા ધાર્મિક (૩ વર્ષ)નું મૃત્યુ થયું હતું. રિપોર્ટ પ્રમાણે, આ ચારેયને ભારતીયોના એક મોટા સમૂદાયથી અલગ કરવામાં આવ્યો હતો. -૩૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં બોર્ડર ક્રોસ કરવામાં બાકીનું ગ્રુપ સફળ રહ્યું હતું.

જ્યારે આ ચારેય ગુજરાતીઓના મૃતદેહ યુએસની કેનેડા તરફની બોર્ડરથી ૩૦ ફૂટના અંતરે મળ્યા હતા. આ પરિવાર આશરે ૧૦ દિવસ પહેલા કેનેડા જવા નીકળ્યો હતો. અગાઉ માનવ તસ્કરો ગેરકાયદેસર ઘૂસતાં લોકોને યુએસની દક્ષિણ તરફની બોર્ડર પર મેક્સિકો અથવા કૂબાના હવાનાથી ઘૂસાડતા હતા. પરંતુ યુએસ સરકારે દક્ષિણ બોર્ડર પર નિયંત્રણો કડક બનાવી દેતાં આજકાલ આવા એજન્ટો કેનેડાથી લોકોને ઘૂસાડવાનો પ્રયત્ન કરે છે, તેમ પોલીસકર્મીએ જણાવ્યું.

પોલીસના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને મુંબઈનો એક-એક ટ્રાવેલ એજન્ટ તેમની રડારમાં છે. આ એજન્ટોએ પટેલ પરિવારને કેનેડા જવામાં મદદ કરી હતી. “આ બંને એજન્ટો ફ્લોરિડામાં રહેતા સ્ટીવ સ્ટેન્ડ નામના શખ્સના સંપર્કમાં હોવાની મજબૂત આશંકા છે. મૃત્યુ પામેલો પરિવાર અને અન્ય સાત લોકોને બોર્ડર ક્રોસ કરીને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસાડવાના પ્લાનિંગમાં ફ્લોરિડાના આ શખ્સનો ફાળો છે તેવું અમારું માનવું છે”, તેમ વધુમાં પોલીસકર્મીએ જણાવ્યું.

માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરવા માટે યુએસ અને કેનેડાની સિક્યુરિટી એજન્સીઓએ તપાસ શરૂ કરી દીધી છે અને તેઓ ભારતીય પોલીસની પણ મદદ લેશે. સૂત્રોનું માનીએ તો, મૃત્યુ પામેલા પટેલ પરિવારને કોઈક લેવા આવવાનું હતું અને હાડ થીજવતી ઠંડીમાં તેઓ ૧૧ કલાક સુધી ચાલ્યા હતા.

આ ગ્રુપના એક સભ્ય પાસે રહેલા બેકપેકમાં બાળકો માટેનો સામાન હતો અને જે તેણે આ પરિવારની મદદ કરવા માટે ઊંચક્યો હતો. પરંતુ બરફના તોફાનમાં તેઓ છૂટા પડી ગયા હતા. આ તરફ ગુજરાત પોલીસની એક ટીમ કલોલના ગામના સ્થાનિકોની પૂછપરછ કરી રહી છે જેથી ટ્રાવેલ એજન્ટનું પગેરું મળી શકે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.