અમેરિકામાં ત્રણ મહિના બાદ કોરોના કેસોમાં બે ગણો વધારો
વોશિંગ્ટન: અમેરિકામાં કોવિડ -૧૯ ચેપના કેસોમાં છેલ્લા ત્રણ મહિનાના ઘટાડા પછી ફરી એકવાર વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ અઠવાડિયા દરમિયાન દરરોજ નવા કેસની સંખ્યા બમણી થઈ રહી છે. કોરોનાના નવા કેસોમાં, ચેપનું મુખ્ય કારણ ડેલ્ટા વેરિયન્ટ છે જે ખુબ ઝડપથી ફેલાઇ રહ્યો છે.
જાેહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર સોમવારે કોરોના ચેપના કુલ કેસ ૨૩ હજાર ૬૦૦ પર પહોંચ્યા હતા, જે ૨૩ જૂનના રોજ લગભગ ૧૧ હજાર ૩૦૦ હતા. આ સમયે દેશના ઘણા ભાગોમાં સંક્રમણ વધી રહ્યો છે જ્યારે કોરોનાવાયરસનો અત્યંત સંક્રમિત ડેલ્ટા મોટા ભાગ માટે જવાબદાર ગણવામાં આવે છે.
રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રો અનુસાર રાષ્ટ્રીય સ્તરે, બધા અમેરિકનોમાં ૫૫.૬ ટકા લોકોને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ મળ્યો છે.પાંચ રાજ્યોમાં રસીકરણના દરમાં ઘટાડો થવાની ચર્ચા થઈ રહી છે, બે અઠવાડિયામાં માથાદીઠ કેસોમાં સૌથી મોટો ઉછાળો નોંધાવ્યો છે. માહિતી અનુસાર, મિઝોરીમાં ૪૫.૯ ટકા; અરકાનસાસમાં ૪૩ ટકા; નેવાડામાં ૫૦.૯ ટકા; લ્યુઇસિયાનામાં ૩૯.૨ ટકા અને ઉતાહમાં ૪૯.૫ ટકા લોકોને રસી આપવામાં આવી છે.
શિયાળાની ઋતુમાં ૩,૪૦૦ કરતા વધુની સંખ્યામાં મોત થતાં હતા બાદમાં દરરોજ સરેરાશ ૨૬૦ કરતા ઓછા લોકોના મૃત્યુ થાય છે. આ સાબિત કરે છે કે આ રસી અસરકારક રીતે ચેપગ્રસ્ત લોકોમાં ગંભીર રોગ અને મૃત્યુને અટકાવી શકે છે.