અમેરિકામાં સર્જાઈ 48 લાખ નવી નોકરીઓની તક
અમેરિકા, અમેરિકી નોકરીદાતાઓએ જૂન મહીનામાં આશરે 48 લાખ જેટલી નવી નોકરીઓની તકનું સર્જન કર્યું છે. રોજગાર મામલે સતત બીજા મહીને પણ સારા પ્રદર્શનના કારણે અમેરિકાનો બેરોજગારી દર ઘટીને 11.1 ટકા થઈ ગયો છે. જો કે, તે કોવિડ-19 મહામારી દરમિયાન સર્જાયેલી મંદીને લીધે જે નોકરીઓ છૂટી તેનો નાનો એવો હિસ્સો જ છે.
મહામારી દરમિયાન લોકડાઉનના કારણે અમેરિકામાં આશરે 2.2 કરોડ લોકોની રોજગારી છીનવાઈ ગઈ. નવી સર્જાયેલી નોકરીઓની તકના કારણે અમેરિકા તે પૈકીના એક તૃતિયાંશ રોજગારોનું પુન:સર્જન કરવામાં સફળ રહ્યું છે. અમેરિકાના દક્ષિણ રાજ્યો (સન બેલ્ટ)માં કોરોના વાયરસથી સંક્રમિત પૃષ્ટ કેસની સંખ્યા વધી રહી છે. તેના કારણે રોજગારની સ્થિતિમાં જે સુધારો આવી રહ્યો છે તે અટકી શકે છે. આ રાજ્યોમાં જે કેટલીક રેસ્ટોરા, બાર અને છૂટક દુકાનોએ કારોબાર ફરી શરૂ કરેલો તેને ફરીથી બંધ કરવા મજબૂર થવું પડ્યું છે
કારોબાર ફરીથી બંધ થવાના કારણે છટણીઓનો દોર ચાલુ છે અને ગત સપ્તાહે બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારા લોકોની સંખ્યા 14.7 લાખે પહોંચી હતી. માર્ચ મહીનાના અંતમાં બેરોજગારી ભથ્થા માટે અરજી કરનારા લોકોની સંખ્યામાં અચાનક જ તેજી જોવા મળી હતી. ત્યારથી જ તેમાં સાપ્તાહિક દરે ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે તે 1982ના ઉચ્ચસ્તર કરતા હજું પણ બમણી છે. આજે પણ બેરોજગારી ભથ્થુ મેળવી રહેલા લોકોની સંખ્યા 1.9 કરોડ જળવાયેલી છે.
કેલિફોર્નિયામાં બાર, સિનેમાઘર અને બેસીને જમી શકાય તેવી સુવિધા આપતા રેસ્ટોરા ફરી બંધ થયા છે. ફ્લોરિડામાં પણ દરિયા કિનારા અને બારના કારોબાર બંધ થયા છે. ટેક્સાસે પોતાના અર્થતંત્રને ફરી ખોલવાની કેટલીક યોજનાઓ જાળવી રાખી છે. જ્યારે ન્યૂયોર્કમાં બેસીને જમી શકાય તેવી સુવિધા આપતા રેસ્ટોરા ખોલવાની યોજના ટાળી દેવામાં આવી છે