અમેરિકામાં હાર બાદ ટ્રમ્પ કોરોના રસી મામલે નથી દાખવી રહ્યાં રસ
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં થયેલી હાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં કોરોના વાયરસ સામેના જંગમાં રસ બતાવવાનું છોડી દીધું છે. ચૂંટણીમાં હાર બાદ પણ ટ્રમ્પ નિયમ પ્રમાણે 20 જાન્યુઆરી, 2021 સુધી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે રહેશે અને એ પછી નવા ચૂંટાયેલા પ્રમુખ જો બાઈડેન રાષ્ટ્રપતિ તરીકેનો ચાર્જ સંભાળશે. જોકે ત્યાં સુધી ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે જે રીતે વલણ અપનાવી રહ્યા છે તેનાથી બધા હેરાન છે.
ટ્રમ્પના સહયોગીઓનું કહેવું છે કે, ટ્રમ્પ એ વાતથી નારાજ છે કે, કોરોના વાયરસની રસી ડેવલપ કરવામાં થયેલી પ્રગતિ અંગેની જાહેરાત ચૂંટણી યોજાઈ તેના એક દિવસ બાદ કરવામાં આવી હતી. એક તરફ અમેરિકામાં કોરોના સંકટ વધી રહ્યું છે ત્યારે ટ્રમ્પ હવે તેની સામેના જંગમાં રસ લઈ રહ્યા નથી. બીજી તરફ કોરોના સાથે જોડાયેલા કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે.
સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતોને એ વાતની પણ ચિંતા છે કે, કોરોનાના સંક્રમણને લઈને ટ્રમ્પ સરકાર જે પ્રકારનું નિષ્ક્રિય વલણ અપનાવી રહી છે અને નવા ચૂંટાયેલા પ્રમુખની વહિવટી ટીમ સાથે પણ ટ્રમ્પ સરકાર સહયોગ કરી રહી નથી તેના કારણે આગામી વર્ષે સંભવિત રીતે રસીના થનારા વિતરણ પર તેની અસર પડવાની છે. કોરોના ટાસ્ક ફોર્સની ચૂંટણી પછીની પહેલી બેઠક સોમવારે યોજાઈ હતી પણ ટ્રમ્પે તેમાં પણ ભાગ લીધો નહોતો. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓના રોજ એક લાખ કરતા વધારે નવા કેસ સામે આવી રહ્યા છે.