અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થશે
નવી દિલ્હી, કોરોના વેક્સિન વિશે મોટા અને સારા સમાચાર આવ્યા છે. અમેરિકામાં 11 ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઈ જશે. બીજી બાજુ, બ્રિટન અને જર્મનીમાં પણ ડિસેમ્બર સુધીમાં ઓફિશિયલ રીતે વેક્સિનેશન શરૂ થઈ જશે. જર્મનીના હેલ્થ મિનિસ્ટરે સ્પષ્ટ કર્યું છે કે તેમના દેશમાં ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઈ જશે.
સ્વાસ્થ્યમંત્રી ડૉ. હર્ષવર્ધને ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે ભારતમાં વેક્સિન આવતા વર્ષની શરૂઆતના ત્રણ મહિનામાં આવી જવાની શક્યતા છે. સપ્ટેમ્બર 2021 સુધી 25-30 કરોડ ભારતીયને વેક્સિન આપી દેવામાં આવશે. હેલ્થ વર્કર્સને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે.
સંક્રમણ અને મોતના મામલે હાલ અમેરિકા એક નંબરે છે. યુએસ કોવિડ-19 વેક્સિન ટાસ્કના હેડ મોન્સેફ સલોઈએ CNNને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે અમેરિકામાં પહેલી વ્યક્તિને વેક્સિન 11 ડિસેમ્બરે આપવામાં આવશે. અમારો પ્રયત્ન છે કે FDA મંજૂરી આપશે કે તરત જ અમે લોકોને વેક્સિન આપવાનું કામ શરૂ કરી દઈશું.એ માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. મને આશા છે કે 11 કે 12 ડિસેમ્બર સુધીમાં અમને મંજૂરી મળી જશે.
મોટા ભાગનાં રાજ્યોએ આ માટેની તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. 10 ડિસેમ્બરે FDAની મહત્ત્વની મીટિંગ થવાની છે. માનવામાં આવે છે કે આ દિવસે જ એજન્સી દ્વારા વેક્સિનને મંજૂરી આપી દેવામાં આવશે.