ન્યૂયોર્કની હોસ્પિટલોમાં રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે
ન્યૂયોર્કઃ કોરોના વાયરસ (Coronavirus) ના કારણે અમેરિકા (USA)માં અફરાતફરીનો માહોલ છે. દરરોજ હજારની સંખ્યામાં સંક્રમણના નવા મામલા સામે આવી રહ્યા છે. ન્યૂયોર્ક (New York)માં તો હાલત ખૂબ ખરાબ છે. અહીં શહેરમાં 30 હજારથી વધુ દર્દીઓ છે. દર ત્રીજા દિવસે દર્દીઓની સંખ્યા બેગણી થઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, અહીં કેટલાક દિવસોમાં હજારો લોકોના મોત થઈ શકે છે. જેથી એવામાં કોરોના વાયરસથી થનારા મોતના કારણે લાશોને અલગ સ્થળે રાખવાની તૈયારી ચાલી રહી છે. અમેરિકામાં સૌથી વધુ પ્રભાવિત ન્યુયોર્ક છે. જો તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે નહિં તો પરિસ્થિત વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે તેમ છે.
CNN મુજબ, ન્યૂયોર્કની અનેક હોસ્પિટલોમાં ટેન્ટ અને રેફિજરેટર ટ્રકોને મડદા ઘર બનાવવામાં આવી રહ્યા છે. ત્યાંના ચીફ મેડિકલ અધિકારીએ કહ્યું કે, સ્થિતિ બેકાબૂ થતી જઈ રહી છે. ન્યૂયોર્કમાં પહેલા જ ઇમરજન્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. બીજી તરફ, સ્વાસ્થ્ય સંગઠન તરફથી કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકા પૂરી દુનિયા માટે કોરોના વાયરસનું નવું કેન્દ્ર બની ગયું છે.
ચીનના વુહાન બાદ સૌથી વધુ મોત આ શહેરમાં થઈ શકે છે. ન્યયોર્કની વસ્તી લગભગ 80 લાખ છે. છેલ્લા કેટલાક દિવસોમાં અહીં કોરોના વાયરસના સંક્રમણના કારણે 150થી વધુ મોત થયા છે. તાજા આંકડાઓ મુજબ, અત્યાર સુધી અમેરિકામાં 65 હજાર લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે.
અનેક શહેરોમાં હાલત ખરાબ –અમેરિકાના અધિકારીઓ મુજબ, ન્યૂયોર્ક ઉપરાંત નોર્થ કેરોલિનામાં પણ આ પ્રકારના ટેન્ટ અને રેફ્રિજરેટર ટ્રક તૈયાર કરવામાં આવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી 900થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં આવનારા દિવસોમાં વેન્ટીલેટરની ઘટ થઈ શકે છે. અમેરિકામાં 20 ટકાથી વધુ દર્દી આઈસીયૂમાં દાખલ છે અને તેમાથી 80 ટકા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડે છે.