Western Times News

Gujarati News

અમેરિકામા નિયમો કડક: વિદેશી બાળક જન્મ સાથે જ અમેરિકન નાગરિક નહીં બને

વાશિંગ્ટન, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને અમેરિકામાં વિઝાને લગતા કેટલાક નિયમો વધુ કડક કર્યા છે. આ નિયમો હેઠળ  હવે ગર્ભવતી મહિલાઓએ વિઝા મેળવવા મુશ્કેલ બનશે, જે ગર્ભવતી ફક્ત બાળકને જન્મ આપવા જ અમેરિકા જવા ઈચ્છે છે. આ પ્રકારના ઘટનાક્રમથી વાકેફ બે અમેરિકન અધિકારીઓએ કહ્યું કે, અમેરિકન વિદેશ વિભાગ ગુરુવારે આ નિયમ જારી કરશે. નવા નિયમો હેઠળ ગર્ભવતીઓ માટે ટુરિસ્ટ વિઝા પર પ્રવાસ કરવો પણ અઘરો બનશે.

આ નિયમોમાં કહેવાયું છે કે, ગર્ભવતીઓએ વિઝા હાંસલ કરવા માટે કાઉન્સિલર ઓફિસરને સમજાવવું પડશે કે, અમેરિકા આવવાનું તેમની પાસે વાજબી કારણ છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન અમેરિકા આવવાના તમામ પ્રકારોની છણાવટ કરીને તેને કડક બનાવી રહ્યું છે, પરંતુ પ્રમુખ ટ્રમ્પે ખાસ કરીને જન્મજાત નાગરિકતાના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. આ નિયમો હેઠળ બિન અમેરિકન બાળકોને અમેરિકામાં જન્મ લેતાની સાથે જ નાગરિકતા મળી જાય છે.

અમેરિકન સરકારના જણાવ્યાનુસાર, અમેરિકા સહિતના અનેક દેશોમાં બર્થ ટુરિઝમ ખૂબ ફૂલ્યું ફાલ્યું હતું. અમેરિકન કંપનીઓ આ માટે જાહેરખબરો પણ આપતી. આ માટે હોટલ રૂમ અને આરોગ્ય સુવિધા માટે કેટલીક કંપનીઓ તો ૮૦ હજાર ડાલર સુધીની વસૂલાત કરતી. રશિયા અને ચીન જેવા દેશોની અનેક મહિલાઓ ફક્ત બાળકને જન્મ આપવા અમેરિકા આવતી. જોકે, ટ્રમ્પે પ્રમુખ બન્યા પછી આવી અનેક ખામી સામે કડક પગલાં લીધા છે.

સેન્ટર ફોર ઈમિગ્રેશન સ્ટડીઝ પ્રમાણે, એકલા ૨૦૧૨માં જ ૩૬ હજારથી વધુ વિદેશી મહિલાઓએ અમેરિકામાં બાળકોને જન્મ આપ્યો હતો. આ રીતે ફક્ત બાળકને જન્મ આપવા આવતી મહિલાઓમાં રશિયા અને ચીન અગ્રેસર છે. જોકે, ટ્રમ્પ આ નિયમોને કડક કરવા પ્રયત્નશીલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.