અમેરિકા-ઇરાનની વચ્ચે યુદ્ધના ભણકારા : ટ્રમ્પની ફરી ચેતવણી
વોશિંગ્ટન: અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલા કરવાની ઇરાનને ધમકી આપી દીધી છે. ટ્રમ્પની ધમકી બાદ ખેંચતાણ વધવાના સંકેત દેખાઈ રહ્યા છે. ટ્રમ્પે ચેતવણી આપતા કહ્યું છે કે, જા ઇરાન અમેરિકી જવાનો અથવા તો સંપત્તિ ઉપર હુમલો કરશે તો અમેરિકા બાવન ઇરાની સ્થળોને ટાર્ગેટ બનાવશે અને ખુબ ઝડપથી હુમલા કરશે. ટ્રમ્પે ટિવટ કરીને કહ્યું છે કે, બાવન આંકડા એવા લોકોની સંખ્યાને દર્શાવે છે જે લોકોને એક વર્ષથી તહેરાનમાં અમેરિકી દૂતાવાસમાં ૧૯૭૯માં બાનમાં પકડીને રાખવામાં આવ્યા હતા.
આમાથી કેટલાક સ્થળ ઇરાનની સંસ્કૃતિ માટે પણ ખુબ જાણિતા રહ્યા છે. વ્હાઇટ હાઉસના સુરક્ષા સલાહકાર રોબર્ટ બ્રાઉને કહ્યું છે કે, ટ્રમ્પ સ્પષ્ટતા કરવા માંગે છે કે, જે રસ્તા પર ઇરાન ચાલી રહ્યું છે ત્યાં તેને નુકસાન થશે. વિવાદને ઉકેલી લેવામાં આવે તેમ અમેરિકા ઇચ્છે છે. જા ઇરાન અમેરિકાના હિતોની વિરુદ્ધ જશે તો ગંભીર પરિણામ આવશે. પેન્ટાગોન આક્રમક મૂડમાં છે. અત્રે નોંધનીય છે કે, ઇરાન અને અમેરિકા વચ્ચે ખેંચતાણ વધી ગઈ છે. બીજી બાજુ ફ્રાંસ અને રશિયાએ સાવચેતી રાખવા માટેની સલાહ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા અને ઇરાન વચ્ચે સંબંધો ફરી એકવાર વિસ્ફોટક સ્થિતિએ પહોંચી ગયા છે. એકાએક હાલમાં કરવામાં આવેલા અમેરિકાના હવાઈ હુમલામાં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના કમાન્ડર કાસીમ સુલેમાનીના મોત બાદ સમગ્ર વિશ્વમાં દહેશત ફેલાઈ ગઈ છે.
ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના મેજર જનરલ કાસીમ સુલેમાનીએ ઇરાકમાં એક ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દીધા બાદ અમેરિકા અને અખાત દેશ વચ્ચે તંગદિલી વધી ગઈ છે. આગામી દિવસોમાં તેની સીધી અસર સમગ્ર વિશ્વમાં જાવા મળી શકે છે. ઇરાનની અતિશક્તિશાળી અને કુશળ કુર્દ ફોર્સના પ્રમુખ સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઇ રહ્યો હતો ત્યારે અમેરિકાએ એકાએક હવાઈ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં ઇરાન સમર્થિત પોપ્યુલર મોબલાઇઝેશન ફોર્સના ડેપ્યુટી કમાન્ડર અબુ મહેંદી અલ મુહાદીશનું પણ મોત થયું હતું. ઇરાકી પાટનગર બગદાદમાં અમેરિકાના હવાઈ હુમલામાં ઇરાની ફોર્સના પ્રમુખ સુલેમાનીના મોત બાદ ઇરાને બદલો લેવાની ધમકી આપી દીધી છે.