અમેરિકા ગેરકાયદેસર પ્રવેશેલા સાત ગુજરાતીઓને પરત મોકલશે
અમદાવાદ , અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશેલા અને ગયા અઠવાડિયે અમેરિકા-કેનેડાની સીમા પરથી પકડાયેલા સાત ભારતીય નાગરિકોને ભારત પરત મોકલવામાં આવશે. સાતેય નાગરિકોને અમેરિકન બોર્ડર પેટ્રોલની કસ્ટડીમાંથી બહાર આવ્યા બાદ ભારત મોકલાશે. સાતેય નાગરિકો ગુજરાતી છે.
અમેરિકન કસ્ટમ અને બોર્ડર પ્રોટેક્શને આપેલા નિવેદન પ્રમાણે, ‘તમામ સાત લોકો ગયા અઠવાડિયે અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા. તેમના પર ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સાતમાંથી છ નાગરિકોને ‘ઓર્ડર ઓફ સુપરવિઝન હેઠળ’ મૂકાયા હતા અને એક નાગરિકને માનવીય હેતુને ધ્યાનમાં રાખી ‘ઓર્ડર ઓફ રિકૉગ્નિઝન્સ’ હેઠળ મૂકાયો હતો.
તમામ ભારતીય નાગરિકોને બોર્ડર પેટ્રોલની કસ્ટડીમાં છોડવામાં આવ્યા હતા અને થોડા સમય બાદ યુએસ ઈમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાતેય નાગરિકો ગયા અઠવાડિયે પકડાયા હતા. ૪૭ વર્ષના સ્ટિવ શેન્ડ પર માનવ દાણચોરીનો આરોપ મુકવામાં આવ્યો હતો. શેન્ડ ૧૯મી જાન્યુઆરીએ અમેરિકા-કેનેડાની સીમાની દક્ષિણ દિશામાં એક કિમી દૂર એક ગ્રામીણ વિસ્તારમાંથી ઝડપ્યો હતો.
તે તેની વાનમાં ૧૫ પેસેન્જર્સ લાવ્યો હતો, જેમાંથી બે ભારતીય નાગરિક પણ હતા. તેઓ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. તે જ સમયે સીમા ઓથોરિટીએ સાતેય ગુજરાતીઓને પકડ્યા હતા. પાંચ ઓથોરિટીને, તેઓ કેનેડાની સીમાથી આવ્યા હોવાનું અને કોઈ તેમના લેવા આવશે તેની રાહ જાેઈ રહ્યા હોવાનું કહ્યું હતું.
નાગરિકોએ તેઓ ૧૧ કલાકથી ચાલતા હોવાનું કહ્યું હતું. ગ્રુપના એક સભ્ય પાસે બેગ હતી, જે તેમની નહોતી. તેમણે બેગ ગુજરાતી પરિવારના ચાર સભ્યોની હોવાનું કહ્યું હતું, જે અગાઉ તેમની સાથે હતા અને રાતે અલગ થઈ ગયા હતા. જે બાદ ૧૯મી જાન્યુઆરીએ તેમના મૃતદેહ અમેરિકા-કેનેડાની સીમાથી થોડે દૂર એમર્સન, મનિટોબાથી મળ્યા હતા.
જેમની ઓળખ જગદીશ પટેલ (૩૯), પત્ની વૈશાલી પટેલ (૩૭), દીકરી વિહંગી પટેલ (૧૧) અને દીકરા ધાર્મિક (૩) તરીકે થઈ હતી. શેન્ડ સામે થયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે, ‘સાતમાંથી જે બેની ધરપકડ કરવામાં આવી હતી, તેમને ગંભીર ઈજા પહોંચી હતી. પુરુષ અને મહિલાને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પુરુષને ઈસ્ચાર્જ કરાયો હતો જ્યારે મહિલાને તીવ્ર ઠંડીમાં રહેવાના કારણે હાથ કાપવો પડે તેવી શક્યતા છે.
બોર્ડર પેટ્રોલ દ્વારા અન્ય સ્થળે ખસેડતી વખતે મહિલાનો શ્વાસ ઘણી વખત બંધ થઈ ગયો હતો. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં તીવ્ર ઠંડી હતી. ભારે પવનના કારણે તાપમાન શૂન્ય કરતા નીચુ હતું. બોર્ડર પેટ્રોલના કહેવા પ્રમાણે, આ વિસ્તારમાં મોટાપ્રમાણમાં માનવ દાણચોરી થાય છે.SSS