અમેરિકા ચીની વર્ચસ્વને તોડવા માટે મોટા પાયે ખર્ચ કરશે

વોશિંગ્ટન: અમેરિકા, ચીની વર્ચસ્વને તોડવા માટે મોટા પાયે ખર્ચ કરવા આયોજન કરી રહ્યું છે. અમેરિકાનું સંસદ-ગૃહ સેનેટ માને છે કે ચીન, અમેરિકા સામેનો સૌથી મોટો ભૂ-રાજનૈતિક તથા ભૂ-આર્થિક પડકાર છે. આથી વિશ્વની આ મહાસત્તાએ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇનોવેશન એન્ડ કોમ્પિટિશન એકટ, ૨૦૨૧ બિલ પસાર કર્યું છે, કે જેથી ૨૫૦ અબજ ડોલરથી વધુ ખર્ચીને અમેરિકાને ટેકનિકલ સંશોધન અને ઉત્પાદનમાં સૌથી મોખરે રાખી શકાય.
નોંધનીય છે કે આ ખરડાને સંસદના રિપબ્લિકન તથા ડેમોક્રેટ એમ બંને પક્ષોના સભ્યોનો ટેકો છે. બંને પક્ષો કોઇ એક
મુદ્દે સંમત હોય એવું જવલ્લેજ બને છે. ૧૦૦ સભ્યોના સેનેટના ગૃહમાં ૬૮ જ ખરડાની તરફેણમાં પડયા, જ્યારે બાકી ૩૨ સભ્યો એના વિરોધી રહ્યા. અમેરિકામાં બંને રાજકીય પક્ષો ચીનના આર્થિક અને લશ્કરી મહત્વકાંક્ષાને કાપવા માટે કેવા એકસંપ થયા છે એ ઉપરોક્ત વોટિંગ-પેટર્ન પરથી સ્પષ્ટ થાય છે, એમ એક નિષ્ણાતે કહ્યું.
સમર્થકોના મતાનુસાર, કોઇ એક કાર્ય માટે ૨૫૦ અબજ ડોકાટનો ખર્ચ, એ, અમેરિકી ઇતિહાસમાં સૌથી મોટા ઔદ્યોગિક પેકેજ પૈકીનું એક છે. છેલ્લા અનેક દાયકાઓમાં વૈજ્ઞાાનિક સંશોધન માટે દેશ દ્વારા કરાયેલું આ સૌથી મોટું રોકાણ છે. ખરડાનો ઉદ્દેશ, અનેક પ્રકારના ઉપાયો સાથે, ચીન જાેડેની હરીફાઇમાં અમેરિકાને મજબૂત કરવાનો છે.
અમેરિકી સેનેટે પડકારોના સામના માટે ૧૯૦ અબજ ડોલરના ખર્ચને મંજૂર કર્યો છે, કે જેથી દેશની યુનિવર્સિટી તથા અન્ય સંસ્થાઓમાં મોટા પાયે સંશોધન અને વિકાસ મુદ્દે કામ થઇ શકે. સાથે જ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડ્રોન તથા અન્ય ટેકનોલોજિકલ ઇનોવેશન વિશે સંશોધન થઇ શકે. તદુપરાંત, ચીનના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ)ની અમેરિકી આવૃત્તિ તૈયાર કરવા માટે ૧૦ અબજ ડોલરનું રોકાણ કરવાની જાેગવાઇ પણ ઉપરોક્ત ભંડોળમાંથી થઇ રહે.
આ ખરડામાં ચીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે સાધેલા વિકાસને રોકવા માટે પણ કેટલીય જાેગવાઇ કરવામાં આવી છે, જેમાં સોશ્યલ મીડિયા એપ ટિકટોકને સરકારી ડિવાઇસમાં ડાઉનલોડ કરવા પર પ્રતિબંધની જાેગવાઇ પણ સામેલ છે. આ કાયદા અંતર્ગત ચીની કંપનીઓ દ્વારા ડ્રોનના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ રહેશે. તદુપરાંત, અમેરિકી સાઇબર હુમલા કે પછી અમેરિકી પેઢીઓની બૌધ્ધિક સંપદાની ચોરીમાં સંડોવાયેલા ચીની સંગઠનોએ પણ પ્રતિબંધનો સામનો કરવો પડશે.