અમેરિકા દ્વારા સ્ટૂડન્ટ વિઝા રદ્દ કરવાને લઇને કેન્દ્ર સરકાર નિર્ણય લેશે : નીતિન પટેલ
ગાંધીનગર: ગુજરાતમાં એક તરફ ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં તારાજી જોવા મળી રહી છે. ત્યારે બીજી તરફ કોરોના વાયરસની મહામારીના કારણે પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વધતાં કેસોને લઇને રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સતત કેસ વધી રહ્યાં છે, ત્યારે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. જ્યારે અમેરિકા દ્વારા સ્ટૂડન્ટ વિઝા રદ્દ કરવાને લઇને નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાર આ મામલે યોગ્ય નિર્ણય લેશે.
રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે વધતા કેસને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે સતત કેસ વધી રહ્યાં છે. ત્યારે લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત છે. નીતિન પટેલે કહ્યું કે હું વેપારીઓને વિનંતી કરું છું કે દુકાનમાં માસ્ક પહેરી રાખે. અર્થતંત્રને વેગવંતુ બનાવવા સરકારે મંજૂરી આપી છે, ત્યારે લોકો પણ નિયમોનું પાલન કરે. અમેરિકામાં કોરોના વાયરસના કારણે સ્ટૂડન્ટ વિઝા રદ કરી દીધા છે. આ મામલે ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આપણા લાખો વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસની સાથે નોકરીઓ કરે છે. આ મામલે કેન્દ્ર સરકારે નિર્ણય લેવો જોઈએ અને વિદ્યાર્થીઓના વિઝા રદ ન થાય તે માટે કેન્દ્ર સરકાર કોઈ પ્રયાસ કરે તેવી આશા છે.
ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ બહાર સેનેટાઇઝર મશીન લગાવામાં આવ્યું છે. ત્યારે સેનેટાઇઝર મશીનને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે મહામારીમાં સંસ્થાઓ તરફથી દવા-સંસાધનો મળી રહ્યાં છે. સ્વર્ણિમ સંકુલ બહાર સેનેટાઈઝ મશીન લગાવાયું છે. આ મશીન હિમાંશુ કંપની તરફથી મુકાયું છે. અહીં આવતા તમામની યોગ્ય કાળજી લેવાય એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.