અમેરિકા, બ્રિટનમાં ઓમિક્રોનના સ્ટીલ્થ વેરિએન્ટનો હાહાકાર
ભારતમાં ચિંતા વધવા લાગી છે કે ક્યાંક આવનારા દિવસોમાં કોરોના ફરી ચિંતાનું કારણ ન બની જાય
નવી દિલ્હી, ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. તેના કારણે આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જલદી દેશને કોરોના સંક્રમણથી મુક્તિ મળી જશે.
પરંતુ હવે ઓમિક્રોનનો સ્ટીલ્થ વેરિએન્ટ ફરીથી મુશ્કેલી વધારી રહ્યો છે. અમેરિકા, બ્રિટન અને ચીનમાં ઓમિક્રોનનો નવો સબ વેરિએન્ટ કહેર મચાવી રહ્યો છે. ત્યારબાદ ભારતમાં ચિંતા વધવા લાગી છે કે ક્યાંક આવનારા દિવસોમાં કોરોના ફરી ચિંતાનું કારણ ન બની જાય. તેનાથી દેશમાં કોરોનાની ચોથી લહેરની આશંકા વધવા લાગી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિક્રી મારિયા વેન કેરખોવે દુનિયાના સર્વોચ્ચ દેશોને ચેતવણી આપી છે કે કોરોનાને હળવાશથી લેવો ખતરનાક બની શકે છે. તેમણે કહ્યું કે, ઓમિક્રોનનો આ નવો સબ વેરિએન્ટ સ્ટીલ્થ ઓમિક્રોનથી વધુ સંક્રામક છે. આ કારણ છે કે ઘણા દેશોમાં કોરોના કેસોમાં વધારો જાેવા મળ્યો છે.
યુરોપીય દેશોમાં કોરોના કેસોમાં ભયાનક વધારો થયો છે. જર્મનીમાં શુક્રવારે ત્રણ લાખ કોરોનાના કેસ સામે આવ્યા. જર્મનીના સ્વાસ્થ્ય મંત્રી કાર્લ લુટરબેકે તમામ લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે સ્વીકાર્યુ કે દેશમાં કોરોનાના સંક્રમણ દેશમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ સ્થિતિ ઇટલી અને ફ્રાન્સની પણ છે. જ્યારે ફ્રાન્સમાં શુક્રવારે એક લાખ ૧૦૮૭૪ નવા કેસ સામે આવવાથી હડકંપ મચી ગયો છે. યુનાઇટેડ કિંગડમમાં પણ કોરોનાના સબ વેરિએન્ટથી કેસમાં વધારો થઈ રહ્યો છે. આ નવા વેરિએન્ટથી બ્રિટનમાં મચેલા હાહાકારનો અંદાજ તેનાથી લગાવી શકાય છે કે છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના ૪.૨ મિલિયન કેસ આવી ચુક્યા છે.