અમેરિકા ભારતને બે કરોડ વેક્સિનનો કાચો માલ આપશે

એસ જયશંકરે કોવિડ-૧૯ના મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો
વોશિંગટન: વિદેશ મંત્રી એસ. જયશંકર હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે. શુક્રવારે તેઓએ પોતાના અમેરિકન સમકક્ષ એન્ટની બિલ્કેન સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને નેતાઓએ અલગ-અલગ મુદ્દાઓ પર વાતચીત કરી. દક્ષિણ અને મધ્ય એશિયાના મામલાઓના બ્યૂરોએ ભારતને કોવિડ-૧૯ વેક્સીન બનાવવા માટે જરૂરી કાચા માલની આપૂર્તિના નિર્દેશ આપ્યા છે, જેનાથી એસ્ટ્રાજેનેકા વેક્સીનના બે કરોડ વધારાના ડોઝ બનાવી શકાશે.
અમેરિકાના દક્ષિણ તથા મધ્ય એશિયા મામલાના બ્યૂરોના કાર્યવાહક સહાયક સચિવ ડીન થોમ્પસને કહ્યું કે, અમેરિકાની સરકાર, રાજ્ય સરકારો, અમેરિકાની કંપનીઓએ કુલ મળીને ભારતને કોવિડ-૧૯ રાહત આપૂર્તિમાં ૫૦ કરોડ અમેરિકન ડૉલરથી વધુનું પ્રદાન કર્યું છે. બીજી તરફ, એસ. જયશંકરે કોવિડ-૧૯નો સામનો કરવા માટે મુશ્કેલ સમયમાં ભારતનો સાથ આપવા માટે બાઇડન પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે બિલ્કેને કહ્યું કે ભારત અને અમેરિકા કોરોનાની વિરુદ્ધની લડાઈમાં એક સાથે છે.
સાથોસાથ તેઓએ કહ્યું કે બંને દેશ આ મહામારીથી મુક્તિ મેળવવા માટે અનેક મહત્ત્વપૂણ પડકારો પર મળીને કામ કરી રહ્યા છે. એન્ટની બિલ્કેને એવું પણ કહ્યું કે, ભારતે કોરોનાની પહેલી લહેર દરમિયા તેમનો સાથ આપ્યો. આ ઉપરાંત તેઓએ કહ્યું કે, ભારતે કરેલી મદદને અમેરિકા ક્યારેય ભૂલી નહીં શકે. બિલ્કેને કહ્યું કે કોવિડ-૧૯ના શરૂઆતના દિવસોમાં ભારતે અમેરિકાનો સાથ આપ્યો જેને તેમનો દેશ હંમેશા યાદ રાખશે. તેઓએ કહ્યું કે, હવે અમે સુનિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમે ભારત માટે વધુ સાથે ઊભા રહીએ.
અમે કોવિડ-૧૯ સામે સાથે મળીને લડી રહ્યા છીએ. નોંધનીય છે કે, વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે ત્રણ દિવસના પ્રવાસ પર વોશિંગટન પહોંચ્યા. બાઇડન પ્રશાસનમાં ભારત તરફથી આ કેબિનેટ સ્તરના મંત્રીની પહેલી યાત્રા છે. જયશંકરે બિલ્કેન સાથે મુલાકાત કહ્યું કે, અમે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. મને લાગે છે કે બંને દેશોના સંબંધ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા મજબૂત થયા છે અને હું આશ્વસ્ત છું કે ભવિષ્યમાં પણ આવું થવાનું ચાલુ રહેશે. કઠીન સમયમાં સાથે આપવા માટે પ્રશાસન અને અમેરિકાનો આભાર વ્યક્ત કરું છું.