અમેરિકા-ભારત વચ્ચે ૫૦૦ અબજ ડોલરનો દ્વિપક્ષીય વેપાર થવાનો લક્ષ્યાંક

નવીદિલ્હી, દેશની કેન્દ્રીય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિભિન્ન સુધારાઓ ભારતને વિદેશી રોકાણ માટે આકર્ષક હબ બનાવશે. તેમજ અમેરિકા-ભારત વચ્ચે ૫૦૦ અબજ ડોલરના દ્વિપક્ષીય વેપાર થવાનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મદદ મળશે. અમેરિકાની ટોચની કંપનીઓના એક્ઝિક્યુટિવ્સને નાણાં મંત્રીએ સંબોધતાં આ અંગે જણાવ્યુ હતું કે, હાલમાં જારી રાહત પેકેજાે ભારતીય અર્થતંત્રને વધુ મજબૂત બનાવશે.
તેમજ વેક્સિનેશન અભિયાનો વેગવાન બની આગામી સમયમાં આર્થિક રિકવરી મજબૂત અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત આર્થિક વૃદ્ધિ દરમાં પણ વધારો કરશે. જે વિભિન્ન સેક્ટર્સમાં વિદેશી રોકાણોને આકર્ષશે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, આરએન્ડડીમાં રોકાણ તકો વધશે. સરકાર દેશને ઈનોવેશન અને આર્થિક ગતિવિધિઓમાં વૈશ્વિક સ્તરે કોમ્પિટીટીવ હબ તરીકે સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. વર્તમાન બજેટમાં રોકાણો અને ટેક્સની આકરણી, એસેટ મોનેટાઈઝેશન, સેક્ટર્સનુ ખાનગીકરણ પર ફોકસ કરવામાં આવ્યુ છે.
નાણાં મંત્રીએ યુએસ ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલના પ્રોગ્રામમાં આ અંગે નિવેદન આપ્યુ હતું. જેમાં જનરલ ઈલેક્ટ્રિક, બેક્સટર હેલ્થકેર યુએસએ, બ્રેમ્બ્લેસ, માર્શ એન્ડ મેકલેનન, પેપ્સિકો સહિત વિદેશી કંપનીઓના એક્ઝિક્યુટીવ્સ સામેલ રહ્યા હતા. વધુમાં તેઓએ કોવિડ-૧૯ની બીજી લહેરમાં ભારતને જરૂરી પ્રોડક્ટ્સ પૂરી પાડવા ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના કરવા બદલ ટોચની ૪૦ અમેરિકન કંપનીઓના સીઈઓની કામગીરીને બિરદાવી હતી.
આર્થિક બાબતોના સચિવ અજય શેઠે પોલિસી અને ટેક્સેશન મામલે ભારતની સફળતાને હાઈલાઈટ કરી હતી. યુએસઆઈબીસીની સ્થાપના ૧૯૭૫માં બિઝનેસ એડવોકેસી ઓર્ગેનાઈઝેશન તરીકે થઈ હતી. જેનો હેતુ ભારત-અમેરિકા વચ્ચેના ખાનગી સેક્ટરમાં રોકાણોને વેગ આપવાનો છે.ભારત અને અમેરિકા બંનેના ખાનગી સેક્ટર્સમાં રોકાણ પ્રવાહ વધારવા માટે પ્રોત્સાહનો પૂરા પાડવાનો છે. કાઉન્સિલ અમેરિકા અને ભારત વચ્ચેના વ્યવસાયને સરળ, વધુ કાર્યક્ષમ અને વધુ ફાયદાકારક બનાવવામાં મદદ કરે છે.