અમેરિકા-મેક્સિકો બોર્ડર પાસે અંધાધૂધ ગોળીબારમાં ૧૮ લોકોનાં મોત

Files Photo
વોશિંગ્ટન: અમેરિકામાંથી ફરી એકવાર હિંસાનાં સમાચાર સામે આવ્યા છે. આ વખતે અમેરિકાની સરહદ નજીક મેક્સીકન શહેરનાં રેનોસામાં અનેક વાહનોમાં આવેલા હુમલાવરોએ સામાન્ય લોકોને નિશાન બનાવ્યા હતા અને તેમના પર ફાયરિંગ કર્યું હતુ. કહેવામાં આવી રહ્યું છે કે, આ હિંસક ઘટનામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટનાને લગતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે આવી છે.
મળી રહેલી માહિતી અનુસાર, અનેક વાહનો પર સવાર સશસ્ત્ર હુમલાખોરોએ સામાન્ય લોકો પર અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. જેનાથી સ્થળ પર ગંભીર વાતાવરણ સર્જાયું હતું.
લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડો દોજી શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે. સુરક્ષાદળોનું કહેવું છે કે સુરક્ષા દળનાં જવાનોએ ચાર શકમંદોને ઠાર કર્યા છે. જેમા તે વ્યક્તિ પણ સામેલ છે જે બોર્ડર બ્રિજની નજીક માર્યો ગયો હતો. તેમણે જણાવ્યું કે, આ ઘટના બાદ સ્થળ પર અંધાધૂંધી ફેલાઇ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ હુમલો શનિવારે બપોરે શરૂ થયો હતો. આ ઘટનાનાં ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં રેનોસાની શેરીઓમાં મૃતદેહો પડેલા જાેવા મળે છે.
વળી આ ઘટના પછી, રેનોસાનાં મેયર માકી અસ્તેર ઓર્ટિઝ ડોમિંગુએઝે ટ્વીટ કરીને નાગરિકોની સુરક્ષાની માંગ કરી છે. તામાઉલિપાસનાં રાજ્યપાલ ફ્રાન્સિસ્કો ગ્રેસિયા કાબેઝા ડે વાકાએ આ ઘટનાની નિંદા કરી હતી અને હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા નાગરિકો પ્રત્યે સંવેદના પાઠવી હતી. તેમણે કહ્યું કે આ મામલે તપાસ કર્યા બાદ હુમલા પાછળનાં કારણો શોધી કાઢવામાં આવશે.
મળતી માહિતી મુજબ, મેક્સિકન સિટીનાં રેનોસામાં થયેલી ગોળીબારની આ ઘટના બાદ, મેક્સિકન આર્મી, નેશનલ ગાર્ડ, સ્ટેટ પોલીસ અને અન્ય એજન્સીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અધિકારીઓનાં મતે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ મહિલાઓનું અપહરણ કરી તેની કારમાં લઇ જઇ રહ્યો હતો. અધિકારીઓ કહે છે કે ત્રણ વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.