અમેરિકી સેનાની વાપસી બાદ કાશ્મીરમાં આતંકી ઘૂસી શકે છે
શ્રીનગર: કાશ્મીર ખાતે તૈનાત સેનાની ૧૫મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી કેટલાક આતંકવાદીઓને કાશ્મીરમાં ધકેલી શકે છે. જાેકે સેના કોઈ પણ દુસાહસનો સામનો કરવા માટે નિયંત્રણ રેખા અને આંતરિક વિસ્તારોમાં તૈનાત છે. ચિનાર કોર્પ્સના કમાન્ડરે જણાવ્યું કે, કેટલાક લોકો જે આઝાદીના પક્ષધર છે તેમણે આ અંગે વિચાર કરવો જાેઈએ કે, એલઓસી પાર અને પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદ પર શું સ્થિતિ છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટ્યા બાદની કાશ્મીરની સ્થિતિ અંગે પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું કે, હા અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી કેટલાક આતંકવાદીઓને કાશ્મીરમાં ધકેલી શકે છે. જાેકે ઘાટીની સ્થિતિ હવે ૩૦ વર્ષ પહેલા હતી તેવી નથી રહી. પહેલા નાર્કો મોડ્યુઅલ અંતર્ગત ફક્ત પૈસા આવતા હતા પરંતુ હવે ડ્રગ્સ પણ આવી રહ્યું છે. આ પ્રકારના કેસને પોલીસ ખૂબ જ પ્રભાવી રીતે હેન્ડલ કરી રહી છે અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.
આ સાથે જ તેમને જમ્મુ કાશ્મીરના રાજનેતાઓ અને નવી દિલ્હી વચ્ચેની વર્તમાન વાતચીતની અસર કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર પડશે કે નહીં તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સુરક્ષાની સ્થિતિ અને રાજનૈતિક પ્રક્રિયા બે અલગ અલગ વસ્તુઓ છે તેમ કહ્યું હતું.