અમે આતંકવાદ વિરુદ્ધ, એક-બીજાની અખંડતાનું સન્માન જરૂરી: મોદી
નવી દિલ્હી, વડાપ્રધાન મોદીએ મંગળવારે શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન(SCO)કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટ્સની 20મી સમિટને સંબોધિત કરી. વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવેલી આ બેઠકમાં મોદીએ કહ્યું કે, અમે હંમેશા આતંકવાદ, ગેરકાયદે હથિયારની ચોરી, ડ્રગ્સ અને મની લોન્ડરિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. SCO ચાર્ટરમાં નક્કી કરાયેલા સિદ્ધાંતો સાથે કામ કરવા માટે ભારત હંમેશા ખડેપગે રહ્યું છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનની હાજરીમાં મોદીએ કહ્યું કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે SCOના એજન્ડામાં દ્વિપક્ષીય મુદ્દાઓને લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ SCO ચાર્ટર અને શંઘાઈ ભાવનાનું ઉલ્લંઘન છે. ભારતનું માનવું છે કે એકબીજા સાથે કનેક્ટિવિટી વધારવા માટે એ જરૂરી છે કે આપણે એકબીજાની સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાનું સન્માન કરતા આગળ વધવું જોઈએ.
વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવેલી આ બેઠકમાં મોદીએ સંયુક્ત રાષ્ટ્રની ઉપયોગિતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે, ઘણી સિદ્ધીઓ છતા સંયુક્ત રાષ્ટ્રનો વાસ્તવિક ઉદ્દેશ્ય હાલ પણ અધૂરો છે.
મોદીએ કહ્યું કે, SCO સાથે જોડાયેલા દેશો સાથે ભારતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધ ઘણા મજબૂત રહ્યાં છે. મહામારીના આ મુશ્કેલ સમયમાં ભારતના ફાર્મા ઉદ્યોગે 150થી વધુ દેશોમાં દવાઓ મોકલી છે.
દુનિયાના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક દેશના રૂપમાં ભારત આ સંકટ સામે લડવામાં માનવતાની મદદ કરવાની પોતાની ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ કરશે.