અમ્યુકોની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ સપાટીએ
પરીક્ષામાં સીસીટીવી બંધ રાખવામાં આવ્યા- હોબાળાને લઇ વાત વણસતાં પોલીસની સ્થળ પર પહોંચી વધુ તપાસ
અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુનિયર ક્લાર્કની પરીક્ષા આજે યોજાઈ હતી. જા કે, આજની આ પરીક્ષામાં એક સેન્ટર પર ગેરરીતિ થયાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. મણિનગરની રાજા ભાગત સ્કૂલના કેન્દ્ર ખાતે ખુદ પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો દ્વારા ટ્રસ્ટીઓ અને સુપરવાઇઝર દ્વારા ગેરરીતિ આચરવામાં મદદગારી કરી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા. સમગ્ર મામલાની જાણ થતાં એનએસયુઆઇના કાર્યકરો પણ ત્યાં પહોંચી ગયા હતા અને થોડીવારમાં તો, સેન્ટર પર જારદાર હોબાળો શરૂ થઇ ગયો હતો.
હોબાળાને લઇ વાત વણસતાં મણિનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, મણિનગરની રાજા ભગત સ્કૂલમાં પરીક્ષાના ઉમેદવારે સુપરવાઈઝર અને પટાવાળા તરફથી એક વિદ્યાર્થીનીને પેપર લખાવવામાં મદદગારી કરાઇ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા ઉમેદવારો અને એનએસયુઆઇના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો.
એનએસયુઆઇના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, સેન્ટર પર પરીક્ષા દરમ્યાન પહેલીવાર એવી પરીક્ષા હતી જેમાં સીસીટીવી બંધ રાખવાની સૂચના આપવામાં આવી હતી. શું પરીક્ષામાં પહેલાથી જ સેટિંગ થઈ ગયું હતું? સીસીટીવી બંધ રાખવા પાછળ શુ હેતું? કોની સૂચનાથી સીસીટીવી બંધ રાખવામાં આવ્યા હતા? સીસીટીવી બંધ રાખીને ખાનગી વીડિયોગ્રાફર રાખવા શું ઉદ્દેશ્ય હતું ?
જેવા પ્રશ્નો એનએસયુઆઇએ ઉઠાવ્યા હતા અને જણાવ્યું હતું કે, અમે, ડીઇઓ કચેરી ખાતે તપાસ કરી તો ત્યાંથી સીસીટીવી બંધ રાખવા કોઇ સૂચના અપાઇ ન હતી અને બીજીબાજુ, સંચાલકો-ટ્રસ્ટીઓ સીસીટીવી બંધ રાખવા ઉપરથી સૂચના હતી એવો બચાવ કરે છે, આમ તેઓની પોલ ખુલી ગઇ છે હવે આ સમગ્ર મામલે અમ્યુકો સત્તાવાળાઓ અને પોલીસે તાત્કાલિક કડક પગલાં લઇ પરીક્ષાર્થી ઉમેદવારોને ન્યાય અપાવવો જાઇએ.