અયોઘ્યા: ૫.૫ લાખ રૂપિયા ખાતામાંથી ઉપાડી લેવાયા
અયોધ્યા: રામ મંદિર માટે કરોડો રૂપિયા બેંકમાં પહોંચવાની સાથે જ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતામાંથી ફ્રોડ કરી રૂપિયા ઉપાડવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ટ્રસ્ટના ખાતામાંથી લખનોની એક બેંકમાંથી ક્લોન ચેક દ્વારા ૬ લાખ રૂપિયા ઉપાડી લેવાયાનો મામલો સામે આવ્યો છે. પહેલા બે ચેક તો પાસ થઈ ગયા, પરંતુ ત્રીજા ચેકના વેરિફિકેશન દરમિયાન આ ફ્રોડ બહાર આવ્યું. ટ્રસ્ટે આ મામલે ફરિયાદ નોંધાવી દીધી છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. પોલીસના જણાવ્યા મુજબ, ક્લોન ચેક બનાવી લખનૌની એક બેંકમાંથી ૧ સપ્ટેમ્બરે ૨.૫ લાખ અને ૩ સપ્ટેમ્બરે ૩ લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.
Click on logo to read epaper English | Click on logo to read epaper Gujrati |
જ્યારે બેંક ઓફ બરોડાની શાખામાં ૯.૮૬ લાખ રૂપિયા ઉપાડવા માટે ત્રીજો ચેક જમા કરાવાયો ત્યારે વેરિફિકેશન માટે બેંકના અધિકારીએ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયને ફોન કર્યો ત્યારે આ ઠગાઈની ઘટના બહાર આવી. બેંક અધિકારીનો ફોન આવતા ચંપત રાય ચોંકી ગયા હતા અને તેમણે અધિકારીને જણાવ્યું કે, આવો કોઈ ચેક કોઈને આપવામાં આવ્યો નથી. ટ્રસ્ટ દ્વારા આટલી મોટી રકમનો ચેક કોઈને અપાયો ન હોવાનું જણાવાયા બાદ બેંકે તાત્કાલીક ચેકનું ક્લીયરન્સ અટકાવી દીધું. પોલીસે જણાવ્યું કે, ટ્રસ્ટના મહાસચિવે અયોધ્યા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મામલાની તપાસ શરૂ કરી દેવાઈ છે. તે ઉપરાંત એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ટ્રસ્ટના ખાતામાંથી ઉપાડેલા રૂપિયાનો કોણે ઉપયોગ કર્યો. ઉલ્લેખનીય છે કે, રામ મંદિર ટ્રસ્ટના ખાતામાં ઓગસ્ટ મહિના સુધીમાં ૬૦ કરોડ રૂપિયાનું દાન જમા થયું હોવાનું ૧૧ ઓગસ્ટના એક અહેવાલમાં જણાવાયું હતું. ગત ૫ ઓગસ્ટે પીએમ નરેન્દ્ર મોદીએ રામ મંદિર માટે ભૂમિ પૂજન કહ્યું હતું. રામ મંદિર માટે મોરારિ બાપુએ પણ ૧૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
મણિપાલ વર્લ્ડ પીસ યુનિવર્સિટી દ્વારા ટ્રસ્ટને ૨૧ કરોડ રૂપિયાનો દાન અપાયું છે. જે ઓગસ્ટ મહિના સુધીમાં આવેલું સૌથી મોટું દાન હતું. એવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે, અયોધ્યામાં બનનારા ભવ્ય રામ મંદિર માટે ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે. જોકે, આ અંગે સત્તાવાર રીતે કોઈ આંકડો આપવામાં આવ્યો નથી.