Western Times News

Gujarati News

અયોધ્યાને ‘ઇકો-ફ્રેન્ડલી’ સ્થળ બનાવાશે -‘સોલર સિટી’ તરીકે વિકસાવવામાં આવશે

લખનૌ : અયોધ્યા રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ/શ્રદ્ધાળુઓ માટે સૌથી વધુ પસંદગીના પર્યટક સ્થળો પૈકીના એક સ્થળ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. આગામી વર્ષોમાં, સૂચિત રામ મંદિર, વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરના નિર્માણ પછી અયોધ્યા વિશ્વના શ્રેષ્ઠ આકર્ષક પ્રવાસી સ્થળોમાંનું એક બનવાનું છે.

પર્યટક વિભાગના એક સંયમિત અંદાજ મુજબ, આગામી એક દાયકામાં, રામ નગરીમાં પ્રવાસીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાશે. 2030 સુધીમાં 6.8 કરોડથી વધુ લોકો રામ જન્મભૂમિની યાત્રાએ આવશે એમ આંકડાકીય વિશ્લેષણ સૂચવે છે.

હકીકતમાં, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથજી અયોધ્યાને વિશ્વના શ્રેષ્ઠ અને ટોચના ક્રમાંકિત શહેરોમાંનું એક શહેર બનાવવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. અયોધ્યામાં રામ મંદિરની તરફેણમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના પગલે યોગી સરકાર દ્વારા તમામ વિકાસ યોજનાઓને ઝડપી બનાવવામાં આવી છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યાને ભવ્ય અને સુંદર બનાવવા ઉપરાંત તેને પર્યાવરણને અનુકૂળ શહેર બનાવવાનું વચન આપ્યું છે. હાઉસિંગ અને અર્બન પ્લાનિંગ વિભાગ તેનો નોડલ વિભાગ હશે જ્યારે પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ, પર્યટન વિભાગ અને સંસ્કૃતિ અને સિંચાઈ વિભાગ અયોધ્યાને પર્યાવરણને અનુકૂળ શહેર બનાવવા માટે તેમનો સહયોગ આપશે.

પ્રવેશ દ્વાર પાસે ઇલેક્ટ્રોનિક વાહનો હશે

ઇલેક્ટ્રોનિક વાહનો પ્રવેશ દ્વારથી રામ મંદિર તરફ લઈ જશે. બધા મુખ્ય માર્ગો પર પાર્કિંગ અને બહુમાળી પાર્કિંગ એરિયા હશે. ઉત્તરપ્રદેશ સરકાર પ્રવાસીઓની સુવિધા માટે રોપ-વે બનાવવાની યોજના પણ વિચારી રહી છે. સરકારનો આ વિચાર પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ માટે જ અનુકૂળ રહેશે એવું નથી, પરંતુ તે પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ કરશે.

સરયુમાં આધુનિક એસટીપી હશે

પવિત્ર નદી સરયુ, જેના કિનારે અયોધ્યા વસેલું છે, તેને કોઈપણ પ્રકારના પ્રદૂષણ વિના સ્વચ્છ અને શુદ્ધ બનાવવા માટે એસટીપી (સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)થી જોડવામાં આવશે. યાત્રાળુઓને હવે પવિત્ર સરયુના જળમાં પુણ્ય સ્નાન કરવાનું વધુ અનુકૂળ બનશે. મુખ્યમંત્રી યોગીએ અયોધ્યામાં એસટીપી માટેનું નવીનતમ મોડેલ લાવવાની સૂચના પણ આપી છે જે ટેક્નોલોજીની દ્રષ્ટિએ આધુનિક છે.

અયોધ્યાને સૌર શહેર તરીકે વિકસાવવામાં આવશે

કોસલાના રાજા, સુપ્રસિદ્ધ ‘ઇક્ષ્વાકુ’ની રાજધાની હોવાથી, રામ કી પૌડીને સૌર શહેર (સોલર સિટી) તરીકે વિકસાવવાની તૈયારી થઈ રહી છે. યુપીના સીએમ યોગી આદિત્યનાથે ગયા મહિને ફૈઝાબાદની સમીક્ષા બેઠકમાં સોલર સિટીના સ્વરૂપમાં રામ નગરીનો વિકાસ કરવાની સૂચના આપી હતી. બિન-પરંપરાગત ઊર્જા વિકાસ એજન્સી (એનઈડીએ)ની સાથે શહેરી વિકાસ વિભાગ આના પર એક વ્યાપક એક્શન પ્લાન તૈયાર કરવાની તૈયારીમાં છે.

અયોધ્યા નવું સ્માર્ટ સિટી બનશે

ધાર્મિક અને ઐતિહાસિક સ્થળ હોવા ઉપરાંત, રામ નગરીને માત્ર ઇકો-ફ્રેન્ડલી સ્વરૂપમાં જ પરિવર્તિત કરવામાં આવશે એવું નથી, પરંતુ રાજ્યમાં પહેલેથી અમલમાં મૂકાયેલા ‘સ્માર્ટ સિટી’ પ્રોજેક્ટ્સની તર્જ પર તે એક હાઈ-ટેક શહેર પણ હશે.

પ્રસ્તાવિત મહત્વાકાંક્ષી યોજના તરીકે, ઉત્તર પ્રદેશ સરકાર બરહટા, શાહનવાઝપુર અને તિહુરાની 749 એકર જમીનમાં ‘નવી અયોધ્યા’ બાંધવાની છે. નવી અયોધ્યામાં કોરિયા સહિત 5 દેશો માટે ગેસ્ટ હાઉસીસ, મઠો અને વિવિધ સંપ્રદાયો, સમુદાયો અને સ્વયંસેવક સંગઠનો માટેના 100થી વધુ પ્લોટ્સ હશે.

એ ઉલ્લેખનીય છે કે અયોધ્યા અને રામ મંદિર આંદોલનનું ગોરખપીઠની ત્રણ પેઢીઓ (મહંત દિગ્વિજયનાથજી, મહંત અવૈદ્યનાથજી અને વર્તમાન પીઠાધિશ્વર અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ) સાથે મજબૂત જોડાણ છે. અહીં એ નોંધવું જોઈએ કે યોગી આદિત્યનાથને અયોધ્યાના આ આદરણીય શહેરને વિકાસ અને પ્રગતિની રીતે હંમેશાં કશુંક આપતા રહેવાનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.