અયોધ્યામાં ત્રણ મહિનાની અંદર ગગનચૂંબી રામમંદિરનું નિર્માણ શરૂ થશેઃઅમિત શાહ
લખનઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં મંગળવારે એક જનસભા કરી હતી. તેમણે ભાષણની શરૂઆત ભારત માતા કી જયના નારા સાથે કરી હતી. તેમણે કહ્યું, કોંગ્રેસે તેની સરકાર હતી ત્યાં સુધી રામ મંદિર બનવા ન દીધુ,અયોધ્યામાં ત્રણ મહિનાની અંદર ગગનચૂંબી રામમંદિરનું નિર્માણ શરૂ થઈ જશે. અમિત શાહે કહ્યું, ૫૦૦ વર્ષ પહેલા ભગવાન રામનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. જે બાદ લાખો લોકોએ આંદોલન કર્યું, અનેક શહીદ થયા. પરંતુ કોંગ્રેસે તેની સરકાર હતી ત્યાં સુધી રામ મંદિર બનવા ન દીધું. ત્રણ મહિનામાં અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ જશે.
શાહે દાવો કર્યો કે, ભાગલા વખતે પૂર્વ પાકિસ્તાનમાં ૩૦ ટકા અને પશ્ચિમ પાકિસ્તાનમા ૨૩ ટકા હિન્દુ, શીખ, બૌદ્ધ અને જૈન હતા. પરંતુ હવે તેઓ માત્ર સાત અને ત્રણ ટકા જ રહી ગયા છે. બાકીના ક્યાં ગયા ? કાં તો તેમને મારી નાંખવામાં આવ્યા અથવા ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું… અથવા ભારતમાં આવીને શરણ લીધું. કરોડો લોકો પર થયેલો અત્યાચાર દેખાતો નથી.