અયોધ્યામાં બસ પલટી જતા 3ના મોત
અયોધ્યા, અયોધ્યા-ગોરખપુર નેશનલ હાઈવે પર એક પ્રાઈવેટ બસ ઓવરટેક કરવાના પ્રયત્નમાં બેકાબૂ થઈ જતા પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર ત્રણ લોકોના મૃત્યુ થઈ ગયા હતા જ્યારે 30થી વધારે મુસાફરો ઘાયલ થયા હતા. આ ઘટના મંગળવારે સવારે લગભગ 7:30 વાગ્યે બની હતી. મળતી માહિતી પ્રમાણે બસમાં સવાર મુસાફરો દિલ્હીથી બંસી અને સિદ્ધાર્થ નગર જઈ રહ્યા હતા.
અયોધ્યાના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના મુમતાઝ નગર પાસે નેશનલ હાઈવે પર આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે અને 30થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાંથી લગભગ 12 લોકોને અયોધ્યાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં 2 લોકોની ઓળખ થઈ શકી છે.
ઘટનાની જાણકારી મળતા જ જિલ્લા અધિકારી નીતીશ કુમાર અને વરિષ્ઠ પોલીસ અધિકારી શૈલેશ કુમાર પાંડેએ ઘટના સ્થળ અને જિલ્લા હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને વધુ સારી સારવાર માટે વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે અકસ્માત દરમિયાન પલટી ગયેલી બસને સીધી કરવા માટે ક્રેનની મદદ લેવામાં આવી હતી. ક્રેન દ્વારા ઘણા પ્રયત્નો બાદ બસને સીધી કરી શકાઈ હતી.