અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકીથી હાઇ અલર્ટ
અયોધ્યા, અયોધ્યામાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં પોલીસતંત્ર અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ બની છે અને અયોધ્યામાં હાઇ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે અમદાવાદના યુવકે 112 નંબર પર ફોન કરીને અયોધ્યામાં બોમ્બ-બ્લાસ્ટ કરવાની ધમકી આપી છે.
ગુરુવારે આ ધમકીભર્યો ફોન આવ્યા બાદ અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગુપ્તચર એજન્સીએ પોલીસ સાથે મળીને આ મામલે તપાસ શરૂ કરી છે. અયોધ્યામાં રામ મંદિર પાસે બ્લેક કમાન્ડો તહેનાત કરી દીધા છે.
એના સાથે જ રોડવેઝ, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, હોટલ, ધર્મશાળા સહિત અન્ય ભીડવાળાં સ્થાનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. SSP શૈલેષ પાંડેએ જાતે ગુરુવારે અયોધ્યામાં મંદિરોની સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું.
રામજન્મભૂમિ પરિસર અને અયોધ્યાનાં પ્રમુખ મંદિરો પર તેમણે પોલીસની ટીમ સાથે નિરીક્ષણ કર્યું હતું અને સુરક્ષાને લઈને નિર્દેશો જારી કર્યા હતા. પોલીસને આગામી તહેવારોને લઈને એક્ટિવ રહેવા જણાવાયું છે.
જાસૂસી એજન્સીઓ ભીડવાળા વિસ્તાર અને હોટલ-ધર્મશાળાઓમાં શંકાસ્પદને શોધી રહી છે. સુરક્ષાકર્મચારીઓની સંખ્યા વધારવામાં આવી છે. મહત્ત્વની જગ્યાઓ પર સુરક્ષાકર્મચારીઓ લોકોની તપાસ કરી રહ્યા છે.
આતંકી હુમલાના ખતરાને પગલે અયોધ્યાની સુરક્ષા વધારવામાં આવી છે. મંદિરોમાં પણ લોકોને અલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. મઠ-મંદિર, હોટલ, ધર્મશાળાઓ વગેરે જગ્યાઓ પર કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો આ અંગેની માહિતી પોલીસને આપવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય લોકોને પણ આ અંગે જાગ્રત કરવામાં આવી રહ્યા છે.
અયોધ્યા હંમેશાં સુરક્ષાને લઈને અલર્ટ પર રહે છે. વિવિધ પ્રસંગોને ધ્યાનમાં સુરક્ષાની સમીક્ષા કરાઈ છે અને અધિકારીઓ દ્વારા આદેશ પણ બહાર પાડવામાં આવ્યો છે.
મંદિરનું નિર્માણ ચાલી રહ્યું હોવાથી આ ઘટનાને લઈને સુરક્ષા વધારી દેવાઈ છે. એસએસપી સાથે પોલીસની ટીમે અયોધ્યાનું નિરીક્ષણ કર્યું હતું, સાથે ધાર્મિક સ્થળો, શ્રદ્ધાળુઓની રોકાવાની જગ્યા અને ભીડવાળાં સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરી હતી.