અયોધ્યામાં રામ મંદિર માટે 613 કિલો વજનનો ઘંટ આવ્યો
અયોઘ્યા, અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં મૂકવા માટે તામિલનાડુથી 613 કિલો વજન ધરાવતો પિત્તળનો ઘંટ આવ્યો હતો. અહીં ઘંટનું વિધિપૂર્વક પૂજન કરાયું હતું. આ ઘંટનો રણકાર પાંચથી સાત કિલોમીટર દૂર સુધી ગૂંજશે એમ મનાય છે.
અન્યત્ર જણાવ્યા મુજબ રામ મંદિર માટે દુનિયાભરમાં વસતા લોકો ભેટસોગાદો મોકલે છે. અત્યાર સુધીમાં એક અબજ રૂપિયા જેટલું દાન મળી ચૂક્યું છે. આજે બુધવારે સવારે તામિલનાડુના રામેશ્વરથી એક ઘંટ રામ મંદિરને ભેટ રૂપે આવ્યો હતો. છસો તેર કિલો વજન ધરાવતો આ ઘંટ લીગલ રાઇટ્સ કાઉન્સિલ સંસ્થાએ મંદિરને ભેટ ધર્યો હતો.
ગયા મહિનાની 17મીએ રામેશ્વરમથી નીકળેલી રામયાત્રા 21 દિવસના પ્રવાસ પછી આજે બુધવારે સવારે અયોધ્યા પહોંચી હતી. આ યાત્રામાં કુલ 18 ભાવિકો સહભાગી થયા હતા. ભગવાન શ્રી રામની પૂજા કર્યા બાદ તામિલનાડુની મહિલા રાજલક્ષ્મી માંડાએ આ ઘંટ રામ મંદિરને ભેટ રૂપે અર્પણ કર્યો હતો. આ પ્રસંગે અયોધ્યાના સાંસદ,ધારાસભ્ય, અયોધ્યાના મેયર સહિત રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાય સહિત ઘણા મહાનુભાવો હાજર હતા.