અયોધ્યા કેસઃ સુનાવણી પૂર્ણ, ફેસલો સુરક્ષિત
નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટમાં આજે અયોધ્યા કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. કોર્ટે રામજન્મભૂમિ- બાબરી મસ્જિદ વિવાદ મામલે ૪૦મા દિવસે સુનાવણી કરી છે. તમામ પક્ષની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે ફેસલો સુરક્ષિત રાખી લીધો છે. હિન્દુ પક્ષ તરફથી નિર્મહી અખાડો, હિન્દુ મહાસભા, રામ જન્મભૂમિ ન્યાસ તરફથી દલીલો રાખવામાં આવી જ્યારે મુસ્લિમ પક્ષ તરફથી રાજીવ ધવને પોતાની દલીલો કોર્ટ સમક્ષ રાખી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના અંતિમ દિવસે સૌથી છેલ્લે મુસ્લિમ પક્ષની દલીલો રાખવામાં આવી.
સુપ્રીમ કોર્ટમાં નક્કી સમયમર્યાદા મુજબ મુસ્લિમ પક્ષના વકીલને એક કલાક અને હિન્દુ પક્ષના વકીલને ૪૫ મિનિટનો સમય મળ્યો જ્યારે ચારેય પક્ષકારોને ૪૫-૪૫ મિનિટનો સમય આપવામાં આવ્યો. સુપ્રીમ કોર્ટે હવે લેખિત સોગંધનામું, મોલ્ડિંગ આૅફ રિલીફને લેખિતમાં જમા કરાવવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો છે. હિન્દુ મહાસભાના વકીલ વરુણ સિન્હાએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે ફેસલો સુરક્ષિત કરવાની સાથે જ સ્પષ્ટ કર્યું કે આ મામલે ૨૩ દિવસમાં ફેસલો આવી જશે. બુધવારે મામલાની સુનાવણી દરમિયાન હિન્દુ મહાસભાના વકીલે એક નવો નક્શો કોર્ટમાં રજૂ કર્યો, જેને જોઈ મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન એટલા નારાજ થયા કે નક્શો જ ફાડી નાખ્યો. જેના પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પણ નારાજગી જતાવી. જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે મંદિર તોડી મસ્જિદ નહોતી બનાવાઈ, મંદિર હોવાના કોઈ સબુત નથી.
ઉલ્લેખનીય છે કે ૬ ઓગસ્ટથી આ મામલે સુપ્રીમ કોર્ટમાં પ્રતિ દિવસના હિસાબે સુનાવણી શરૂ થઈ ગઈ. અગાઉ સુપ્રીમ કોર્ટે માર્ચમાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ એફએમ ઈબ્રાહિમ ખલીફુલ્લાહની અધ્યક્ષતામાં એક મધ્યસ્થતા પેનલની રચના કરવામાં આવી, જેમાં આર્ટ આૅફ લિવિંગ ફાઉન્ડેશનના શ્રી શ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચૂ સભ્ય તરીકે સામેલ હતા. પેનલને પોતાનો રિપોર્ટ આપવા માટે ૧૫ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો હતો. જો કે ઓગસ્ટની શરૂઆતમાં એક રિપોર્ટે મધ્યસ્થતાના પ્રયાસોની વિફળતાના સંકેત આપ્યા.
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદ પર સુનાવણી દરમિયાન બંને પક્ષો વચ્ચે તીખી ચર્ચા જોવા મળી. સુનાવણી દરમિયાન આવી જ ચર્ચા બે દિવસ પહેલા થઈ હતી જ્યારે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એવુ કંઈક કહ્યુ જેના પર હિંદુ પક્ષે સવાલ ઉઠાવ્યો. સુનાવણી દરમિયાન રાજીવ ધવને કહ્યુ કે કોર્ટના સવાલ મારી તરફ જ હોય છે હિંદુ પક્ષ તરફ નહિ. રાજીવ ધવને પોતાની દલીલો દરમિયાન સુપ્રીમ કોર્ટમાં કહ્યુ કે મે નોટિસ કર્યુ છે કે તમારા બધાના સવાલ મારી તરફ હોય છે. તમે તેમને (હિંદુ પક્ષ)ને પણ કોઈ સવાલ પૂછી શકો છો. આના પર હિંદુ પક્ષ તરફથી વાંધો વ્યક્ત કરવામાં આવ્યો.
હિંદુ પક્ષના વકીલ સીએસ વૈદ્યનાથને કહ્યુ કે આ નિવેદન સંપૂર્ણપણે ખોટુ છે. આના પર રાજીવ ધવને કહ્યુ કે બિલકુલ ખોટુ નથી. હું જવાબ આપવા માટે બાધ્ય છુ પરંતુ બધા સવાલ મારા માટે જ કેમ હોય છે? જો કે કોર્ટે રાજીવ ધવનના નિવેદને ઈગ્નોર કર્યુ અને કહ્યુ કે તમે માત્ર એ સવાલોના જવાબ આપો છો, જે અમે પૂછીએ છીએ. વળી, આગલા દિવસે સુપ્રીમ કોર્ટની બંધારણીય પીઠ હિંદુ પક્ષના વકીલ કે પરાસરણના સવાલ પર સવાલ પૂછી રહી હતી. આ દરમિયાન સીજેઆઈએ રાજીવ ધવનને પૂછી લીધુ કે સવાલોથી તે સંતુષ્ટ છો ને? સીજેઆઈના આ સવાલ પર આખો કોર્ટ રૂમ ઠહાકાથી ગુંજી ઉઠ્યો. મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આ દરમિયાન નિર્ણયના અનુવાદ અંગે સવાલ ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે, રામ જન્મભૂમિ પુનરુદ્ધાર સમિતિના વકીલ પીએન મિશ્રાએ અનુવાદને યોગ્ય ગણાવ્યું અને વધુ એક ફકરો વાંચ્યા, પણ અમે તેમને પહેલા પણ સાંભળી ચુક્યા છીએ. બાબર દ્વારા મસ્જિદના નિર્માણ માટે ગ્રાન્ટ અને ભાડું માફ કરવાના દસ્તાવેજ છે. આ અંગે જસ્ટિસ ચંદ્રચુડે કહ્યું કે, ગ્રાન્ટમાંથી તમને માલિકી અધિકારની પુષ્ટી કેવી રીતે થાય છે? રાજીવ ધવને કહ્યું કે, જમીદારી અને ભાડાના જમાના પ્રમાણે જોવા જઈએ તો જમીનના માલિકને જ ગ્રાન્ટ મળતી હતી. રાજીવ ધવને કહ્યું કે, આ લોકોની દલીલો મૂર્ખતા ભરેલી છે કારણ કે તેમને ભૂમિ કાયદા અંગેની કોઈ માહિતી નથી. આ અંગે પીએન મિક્ષાએ કહ્યું કે, લેન્ડલોજ પર બે પુસ્તક લખ્યા છે અને તમે કહી રહ્યાં છો કે મને કાયદો નથી ખબર. આ અંગે રાજીવ ધવને કહ્યું કે,તમારા પુસ્તકોને સલામ તેની પર પીએચડી કરી લો.
મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને કહ્યું કે, હિન્દુ પક્ષકારોએ કુરાન આધારિત જે પણ દલીલો કરી છે તેમાં કોઈ દમ નથી. રાજીવ ધવને કહ્યું કે, અમે અમારી જમીન પર કબજો ઈચ્છીએ છીએ. તેમણે કહ્યું કે, જે દસ્તાવેજોની વાત થઈ રહી છે તેના ચાર અર્થ છે. પહેલો ઉર્દુ, પછી હિન્દી જે જિલાની તરફથી થયું, પછી ફરી એક હિન્દી જે હાઈકોર્ટ જસ્ટિસ અગ્રવાલ તરફથી કરાયું. તેમણે કહ્યું કે, ૨૦૧૭માં ચોથું ટ્રાન્સલેશન થયું હતું. મુસ્લિમ પક્ષે તેમની દલીલમાં કહ્યું કે, ૬ ડિસેમ્બર ૧૯૯૨માં જે નષ્ટ કરવામાં આવી તે અમારી પ્રોપર્ટી હતી. વક્ફ સંપત્તિના મતવલ્લી જ તેના સમારકામના જવાબદાર હોય છે. તેને બોર્ડ જ નક્કી કરે છે. રાજીવ ધવને કહ્યું કે, અયોધ્યાને અવધ અથવા ઔધ લખવામાં આવે છે. તેની તપાસ સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ વિશે જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જો અમે તમારા આધારે જોઈએ તો તે માલિકીહકના દસ્તાવેજો નથી.
બુધવારે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના સીજેઆઈ રંજન ગોગોઈએ સ્પષ્ટ કર્યુ કે આજે સાંજે ૫ વાગ્યા સુધી આ કેસમાં બધી દલીલો પૂરી થઈ જશે. તેમણે કોઈ પણ અન્ય અરજી પર સુનાવણીનો ઈનકાર કર્યો. આ દરમિયાન કોર્ટમાં તીખી ચર્ચા થવા લાગી તો સીજેઆઈએ કહ્યુ કે આપણા તરફથી ચર્ચા પૂરી થઈ ચૂકી છે, કોઈ કંઈ કહેવા ઈચ્છતા હોય તો એટલા માટે સમય આપવામાં આવી રહ્યો છે, નહિતર અમે ઉઠીને જઈ પણ શકીએ છીએ.