અયોધ્યા ફેંસલોઃ જમિયત ઉલેમા દ્વારા રિવ્યુ પિટિશન
નવીદિલ્હી, અયોધ્યા ચુકાદા પર સુપ્રીમ કોર્ટમાં મુÂસ્લમ સંસ્થા તરફથી આજે રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જમિયત ઉલેમાએ હિંદ તરફથી આ રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. પહેલા એમ માનવામાં આવ્યું હતું કે, બાબરી વિવાદની વરસી એટલે કે ૬ઠ્ઠી ડિસેમ્બરના દિવસે જમિયત ઉલેમા હિંદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા ચુકાદાને લઇને ફેરવિચારણા અરજી દાખલ કરશે.
જમિયત તરફથી દાખલ કરવામાં આવેલી ફેર વિચારણા અરજીમાં ચુકાદામાં કેટલાક વિરોધાભાષી અહેવાલોની વાત કરવામાં આવી છે. જમિયતના યુપી જનરલ સેક્રેટરી મૌલાના અશદ રશીદી તરફથી આ રજૂઆત કરવામાં આવી છે. કેટલીક બાબતોને તીવ્રરીતે ઉઠાવવામાં આવી છે. આ પહેલા ઓલઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા રિવ્યુ પિટિશન દાખલ કરવાની જાહેરાત કરી દેવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે ૯મી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો. સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી.
રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદા આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા. ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો.