અયોધ્યા મુદ્દે દંગલો નહીં થાય : ઈન્દ્રેશ કુમાર
નવી દિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતા ઇંદ્રેશ કુમારે કહ્યું હતું કે અયોધ્યા મુદ્દે હિન્દુઓની તરફેણમાં ચુકાદો આવે તો પણ હિંસક તોફાનો નહીં થાય. તીન તલાક મુદ્દે તોફાનો ક્યાં થયાં હતાં.
સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે એ સર્વોચ્ચ હોય છે. સુપ્રીમ કોર્ટ કોઇ કોમ કે ધર્મને આધારે કામ કરતી નથી. એનો ચુકાદો સૌને સ્વીકાર્ય હોવો જોઇએ. દેશના તમામ લોકો પહેલાં પોતાને ભારતીય તરીકે જુએ છે. ત્યારબાદ હિન્દુ મુસ્લિમની વાત આવે. દરેક નાગરિક દેશમાં શાંતિ જળવાઇ રહે એમ ઇચ્છે છે. એટલે સુપ્રીમ કોર્ટના અયોધ્યા વિશેના ચુકાદાથી અશાંતિ નહીં ફેલાય એવું મારું માનવું છે.
તેમણે કહ્યું કે સાડા આઠ કરોડ મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા તીન તલાકનો મુસ્લિમ ધારો રદ કર્યો ત્યારે પણ શાંતિ જ હતી, નહીંતર આ તો મુસ્લિમ સમાજની આંતરિક બાબત હતી. પરંતુ દરેક મુસ્લિમ પણ દેશમાં ભાઇચારો અને શાંતિ જળવાઇ રહે એમ ઇચ્છે છે એટલે તીન તલાક વખતે પણ તેમણે શાંતિ જાળવી હતી. કેટલાક લોકો ભય અને અફવા દ્વારા લઘુમતીને ભડકાવવા માગે છે પરંતુ હવે મુસ્લિમો આવા લોકોની વાતમાં ફસાશે નહીં. હવે દેશના મુસ્લિમો પણ ઇચ્છે છે કે સંવાદ અને શાંતિથી સમસ્યાનું નિરાકરણ થવું જોઇએ એટલે સામસામે બેસીને સંવાદ કરવો જોઇએ.