અરમાન ફાયનાન્શિયલનો FY19-20ના Q1 ચોખ્ખો નફો 138 ટકા વધીને રૂ. 12.1 કરોડ થયો
અમદાવાદઃ ગુજરાત સ્થિત નોન બેન્કિંગ ફાયનાન્શિયલ કંપની (એનબીએફસી) અરમાન ફાયનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડે નાણાંકીય વર્ષ 2019-20ના 30જૂને પૂરા થતા પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે રૂ. 12.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના અંતે રૂ. 5.1 કરોડના ચોખ્ખા નફા કરતાં 138 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે કંપનીની કુલ ચોખ્ખી આવકો રૂ. 29.9 કરોડ રહી હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નોંધાયેલી રૂ. 17.1 કરોડની ચોખ્ખી આવકો કરતાં 75 ટકા વધારે હતી. કંપની માઈક્રો ફાયનાન્સ, ટુ-વ્હીલર્સ અને માઈક્રો એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) લોન્સમાં કામગીરી કરે છે.
30 જૂન, 2019ના કંપનીની એસેટ અંડર મેનેજમેન્ટ રૂ. 722.5 કરોડ રહી હતી જે વાર્ષિક ધોરણે 57 ટકાનો વધારો દર્શાવે છે. પ્રથમ ત્રિમાસિક ગાળાના અંતે કંપની દ્વારા વાર્ષિક ધોરણે 24 ટકાની વૃદ્ધિ સાથે કુલ રૂ. 191.8 કરોડનું ધિરાણ આપવામાં આવ્યું હતું. નાણાંકીય વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયો સુધરીને 35.5 ટકા થયો હતો જે ગત નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 43.5 ટકા હતો.
કંપનીની એકંદરે કામગીરીમાં પણ સુધારો જોવા મળ્યો છે. 30 જૂન, 2019ના રોજ કુલ કાર્યરત શાખાઓ 209 જેટલી હતી જે પૈકી 178 માઈક્રો ફાયનાન્સ સેગમેન્ટમાં, 26 એમએસએમઈમાં અને બાકીની ટુ-વ્હીલર સેગમેન્ટમાં હતી.
નાણાંકીય વર્ષ 2019-20ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીની કામગીરી અંગે અરમાન ફાયનાન્શિયલ સર્વિસીઝના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં તરલતાની સમસ્યા અને અન્ય મેક્રોઈકોનોમિક પરિબળો છતાં અરમાને પ્રથમ ત્રિમાસિક ગાળામાં ઉત્કૃષ્ટ કામગીરીનું પ્રદર્શન કર્યું છે.
લોન બુકમાં નોંધપાત્ર વૃદ્ધિ તથા નેટ ઈન્ટરેસ્ટ માર્જિન, કોસ્ટ-ટુ-ઈન્કમ રેશિયો અને એસેટ ક્વોલિટીમાં સુધારાના પગલે અમે સારો દેખાવ કરી શક્યા છીએ. ઈન્ડિયન અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડના અમલીકરણ પછી આ પહેલો ત્રિમાસિક ગાળો છે. અમારા ત્રણેય ધિરાણ ક્ષેત્રોમાં તંદુરસ્ત વૃદ્ધિના લીધે અમારી લોન એસેટ્સમાં વધારો થયો છે. આ ઉપરાંત, અમે અમારી ભૌગોલિક સીમાઓ પણ વિસ્તારી છે અને અમારી નાણાંકીય વર્ષ 2020ની વિસ્તરણ યોજના હેઠળ પ્રથમ ત્રિમાસિક ગાળામાં 41 નવી શાખાઓ ઉમેરી છે.