અરવલ્લીઃ બુટલેગર મહેશ ઉર્ફે કાળીયા અંસારીને અઢી વર્ષ પછી દબોચતી એસઓજી પોલીસ
(તસ્વીર- જીત ત્રિવેદી, ભિલોડા) ભિલોડા, અરવલ્લી જીલ્લામાં પોલીસે જ પોષીને મોટા કરેલા બુટલેગરો બેફામ બન્યા હતા અને પોલીસ પર જ હુમલો કરી ખાખી પર ભારે પડી રહ્યા છે ત્યારે એસપી સંજય ખરાતના આગમન પછી બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના પગલે ફાટીને ધુમાડે ગયેલા અને કાયદાનો કોઈ ડર જ ન હોય તેવા બુટલેગરો ભૂગર્ભમાં ઉતરી ગયા છે
જીલ્લા એસઓજી અને પેરોલ ફર્લો પોલીસે બાવળીયા ટોરડા ગામેથી બાતમીના આધારે અઢીવર્ષ અગાઉ ગાંધીનગર આર આર સેલના કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ફરાર ધંધાસણના કુખ્યાત અને માથાભારે બુટલેગર મહેશ ઉર્ફે કાળીયા અસારીને દબોચી લીધો હતો.
અઢી વર્ષ અગાઉ ગાંધીનગર આર આર સેલના કોન્સ્ટેબલ ઇમરાન નજામીયા ખોખર ખાનગી કારમાં ખાનગી માણસો સાથે ભિલોડા ધોલવાણી નજીક દારૂ ભરેલી ઇકો કારને અટકાવવાનો પ્રયાસ કરતા ઇકો કાર ચાલકે કાર હંકારી મુકતા આર આર સેલના કોન્સ્ટેબલ ઇમરાન ખોખરે ખાનગી કારમાં પીછો કરતા પાછળ બુટલેગરો જીપમાં પહોંચી કારને આંતરી જીપમાં અને ઇકો કારમાં રહેલા બુટલેગરોએ ઇમરાન ખોખર અને ખાનગી માણસ પર જીવલેણ હુમલો કર્યો હતો
જે અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી હુમલો કરનાર કેટલાક બુટલેગરોને દબોચી લીધા હતા જીલ્લા એસઓજી પીઆઈ જે પી ભરવાડને આર આર સેલના પોલીસકર્મી પર હુમલો કરનાર અને છેલ્લા અઢી વર્ષથીં નાસતો ફરતો ધંધાસણના મહેશ ઉર્ફે કાળીયા અસારી નામનો બુટલેગર બાવળીયા ટોરડા ગામે હોવાની બાતમી મળતા એસઓજી અને જીલ્લા પેરોલ ફર્લો ટીમે બાવળીયા ટોરડા ગામે ત્રાટકી
બાતમી આધારીત જગ્યાને કોર્ડન કરી મહેશ ઉર્ફે કાળીયો કમજી અસારીને ઈગુજકોપ પોકેટકોપની મદદથી બાવળીયા ટોરડા ગામે થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગાંધીનગર આર આર સેલમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર બુટલેગરોના હુમલા પછી તરહ તરહની ચર્ચાઓ પોલીસબેડામાં ચર્ચાઈ રહી હતી અને રેડ પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા.