અરવલ્લીના ભૂમિપુત્રોની નવા કૃષિ વર્ષના પ્રારંભે ઉજવણી

વૈશાખ સુદ-૩ એટલે અખાત્રીજ (અક્ષયતૃતીયા) નો દિવસ એટલે શુભકાર્યો તેમજ પ્રસંગો માટેનો વર્ષનો શ્રેષ્ઠ દિવસ અને ખેડૂતોના ખેતી કામ માટે નું નવું વર્ષ અખાત્રીજના દિવસે અરવલ્લી જીલ્લાના ભૂમિપુત્રોએ ભૂમિ પૂજન તથા પશુઓ અને ખેતીના ઓજારોની પૂજનવિધિ કરવાની સાથે ખેતરમાં જઈ ક્ષેત્રપાળનો દીવો ધૂપ કરી કંસાર અને ખીચડીના પ્રસાદ ધરાવી વહેંચણી કરી નવા કૃષિ વર્ષનો પ્રારંભ હર્ષોલ્લાસ સાથે કર્યો હતો.મેઢાસણ ગામે યુવા ખેડૂતોમાં અનેરો ઉલ્લાસ જોવા મળ્યો હતો.
અરવલ્લી જીલ્લામાં મંગળવારે વહેલી સવારે અખાત્રીજ ના દિવસે પૂજનવિધિ પૂર્ણ કરી જગતનો તાત નવા કૃષિ વર્ષની ઉજવણીમાં જોતરાયો હતો જેમાં જીલ્લાના ખેડૂતપુત્રોએ પરિવારના સભ્યો સાથે હર્ષોલ્લાસથી પોતાના ઓજારો હળ તૈયાર કરી પશુઓ અને બળદોના શીંગડાને રંગરોગાન કરી નવા પોશાકો ધારણ કરી સાગમટે ગ્રામ અને શહેરી વિસ્તારના ભૂમિપુત્રોએ હળ જોડી દઈ ખેતર ખેડી ખાતમુહર્ત કર્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજે વહેલી સવારે સૌ ભૂમિપુત્રો એકસાથે એકજ જગ્યાએ એક ખેતરમાં ભેગા મળી હળ જોડી ખેતરમાં પહોંચી હળ જોતરી ખેતી નું મુહર્ત કર્યું હતું.
ભૂમિપુત્રોએ બળદગાડા અને શણગારી બળદો નું મોં મીઠું કરાવી વીતેલા વર્ષનું દુઃખસુખ જતું કરી નવા વર્ષનો ઉમંગ ભેર પ્રારંભ કર્યો હતો અને વર્ષ દરમિયાન કયા પ્રકારની વાવણી કરવી તેનું આગોતરું આયોજન કર્યું હતું તેમજ ગત વર્ષના ખેતીમાં થયેલા નફા-નુકશાન અંગે સરવૈયું કાઢવાની સાથે ખેતી માટે રાખેલ ખેત મજૂરો અને ભાગિયાઓના હિસાબો સમેટી લઈ નવા વર્ષનું કામકાજ સોંપવામાં આવ્યું હતું ખેતમજૂરી કરતા ખેતમજૂરો પણ અખાત્રીજના દિવસે પોતાની સૂઝ-બુઝ વાપરીને ખેતર માલિકો સાથે રાજીખુશી થી છુટા થઈ પોતાના મનપસંદ લાગતા ભૂમિપુત્રો સાથે અખાત્રીજ થી અખાત્રીજ સુધી મજૂરીનો કરાર કરતા હોય છે.
દિલીપ પુરોહિત. બાયડ