અરવલ્લીના મોડાસા ખાતે કલા મહાકુંભ યોજાયો
ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તે ઉદ્દેશથી રાજ્ય સરકાર દ્વારા કલામહાકુંભની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત અરવલ્લીના મોડાસા ખાતે કલા મહાકુંભ યોજાયો હતો.
રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ.ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા મોડાસાની કે.એન.શાહ હાઈસ્કૂલ ખાતે યોજાયેલ કલા મહાકુંભને કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરે ખુલ્લો મુક્યો હતો.
પ્રાસંગિક પ્રવચન કરતા જિલ્લા કલેક્ટરશ્રી અમૃતેશ ઔરંગાબાદકરે જણાવ્યું હતુ કે જેવી રીતે ખેલ મહાકુંભ મારફતે રમત-ગમત ક્ષેત્રે ગુજરાતે અનેકવિધ સિધ્ધિ હાંસલ કરી છે તેવી જ રીતે કલા મહાકુંભ મારફતે ગુજરાતની પરંપરાગત કલાનો વારસો જીવંત રહે તેવો મુખ્ય આશય છે. આ ઉપરાંત છેવાડાના ગામડાઓથી માંડી શહેરમાં કલાનું કલાત્મક વાતાવરણ નિર્માણ થાય, પ્રતિભાશાળી કલાકારોને આગળ આવવાની તક મળે અને રાષ્ટ્રિય તેમજ આંતરરાષ્ટ્રિય ફલક પર એક નવી ઓળખ ઉભી થાય.
જિલ્લા અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે જે કલા લુપ્ત થવાના આરા પર છે તેવી કલાઓ કલા મહાકુંભ મારફતે ફરી જીવંત થાય તેવો રાજ્ય સરકાર દ્વારા એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. દ્વિ- દિવસીય યોજાનાર કલા મહાકુંભમાં ૨૩ અલગ-અલગ કૃતિઓ રજૂ કરવામાં આવશે. જિલ્લાની પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગીદાર બનશે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ બીપીનભાઇ શાહ,પ્રાંત અધિકારી મયંક પટેલ,જિલ્લા શિક્ષણાધિકારી ગાયત્રીબેન પટેલ જિલ્લા રમતગમત અધિકારી હર્ષાબેન ઠાકોર,સહાકરી અગ્રણી પ્રભુદાસ પટેલ,શ્રીમતી બિજલબેન પટેલ પ્રાંત યુવાવિકાસ અધિકારી,રાકેશભાઇ ચૌધરી પ્રાંત યુવા વિકાસ અધિકારી અને કે.એન.શાહ હાઇસ્કુલના આચાર્ય મનીષ જોશી ,મોડાસા તેમજ અન્ય મહાનુભાવો તેમજ જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવે સ્પર્ધકો અને મોડાસા કેળવણી મંડળના વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા