અરવલ્લીની બદનસીબી સિવિલ હોસ્પિટલ તો છોડો… ICU ઓન વ્હીલ એમ્બ્યૂલન્સ પણ નથી
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: અરવલ્લી જિલ્લાની રચનાને ૬ વર્ષનો સમય વિતી ગયો પણ સિવિલનું કામ ક્યાંથી ક્યાં પહોંચ્યું તેમાં કોઈને ક્યાંય ખ્યાલ જ નથી. હાલ કોરોનાની મહામારી વચ્ચે પોઝિટિવ કેસ વધવાની સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ બનાવવાની માંગ હવે ઉગ્ર બની છે, જનતાની ચિંતા કરવા અન્ય પક્ષ આગળ આવ્યો હોય કે ન આવ્યો હોય પણ સિવિલની માંગ સાથે કોંગ્રેસે મોરચો સંભાળી લીધો છે.
પણ સિવિલ ક્યારે મળશે તે અંગે હજુ યક્ષ પ્રશ્ન છે. કોરોના દર્દીઓની સ્થિતિ ગંભીર બનતાં હિંમતનગર ખસેડવા માટે ICU ઓન વ્હીલ જેવી એમ્બ્યુલન્સ પણ ન હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સાથે લોકો આરોગ્ય તંત્રની નિષ્ફળ કામગીરી સામે અનેક ચર્ચાઓ ચાલી રહી છે જેમાં આરોગ્ય વિભાગને ખ્યાલ નહિ હોય કે ઇમરજન્સી માટે આઈસીયુ ઓન વ્હીલ જેવું એક વાહન આવે છે, જે દર્દી માટે ખૂબ જ ઉપયોગી બની શકે એમ છે ની ટીખળ પણ લોકો કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાના વધતા કેસ વચ્ચે દર્દીઓને રિફર કરવા માટે યોગ્ય વ્યવસ્થા નથી, પણ આરોગ્ય વિભાગના મોટા મોટા તબીબોને જરાય ખ્યાલ ન આવ્યો કે, આઈસીયુ ઓન વ્હીલ જેવી એક વ્યવસ્થા છે, જે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ શકે. પણ ના, વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત કે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ આઈસીયુ ઓન વ્હીલની જાણકારીથી કેમ દૂર રહી તે પણ આંખે ખૂંચતો સવાલ છે.
અરવલ્લી જિલ્લામાં સિવિલ કોણ જાણે ક્યારે મળશે તે કહેવું મુશ્કેલ છે, પણ ઉચ્ચ આઈસીયુ ઓન વ્હીલ ની વ્યવસ્થા કરાવી દે તો પણ જિલ્લાની જનતા માટે આશિર્વાદ રૂપ સાબિત થઈ શકે એમ છે, પણ જાણે કોઈને કંઈ જ રસ ન હોય તેવું લાગી રહ્યું છે. સાહેબ તમે જે જગ્યાએ કામ કરો છો, ત્યાંની જતના તમારા દેશની અને તમારા જ રાજ્યની છે.
સાહેબ, કોરોના અથવા અન્ય બિમારીથી જેનો પરિવાર વિખૂટો પડ્યો છે, તેના ઘરે જઈને જરા પૂછજો તો ખરા, તમારા પગ તળેથી જમીન ખસી જશે. કોઈ મા, તો કોઈએ પિતાની છત્રછાયા આવા સ્વાસ્થ્ય સુવિધાના અભાવે ગુમાવી દીધી, હવે તો બસ કરો. શું છે આઈસીયુ ઓન વ્હીલ …કઈ રીતે ગંભીર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે
શું છે આઈસીયુ ઓન વ્હીલ …કઈ રીતે ગંભીર દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. આઈસીયુ ઓન વ્હીલ એક એવી વ્યવસ્થા છે કે, ઈમર્જન્સીમાં દર્દીઓન બીજી જગ્યાએ રીફર કરવામાં કોઈ જ અગવડ ન પડે અને વેન્ટિલેટર તેમજ ઓક્સિજન સહિતની સુવિધા આઈસીયુ ઓન વ્હીલમાં મળી શકે, સામાન્ય રીતે આઈસીયુ ઓન વ્હીલમાં વેન્ટિલેટર, મોનિટર, એ.સી., ઇન્ફ્યુઝન પંપ, ઓક્સિઝન, ઇમર્જન્સી દવાની કીટ, ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, જેની કિંમત પણ અત્યાર સુધીમાં મળેલી ગ્રાન્ટમાંથી આવી શકત. સવાલ એ થાય છે કે, આરોગ્ય વિભાગ તો કોરોનાના સંક્રમણથી વેન્ટિલેટર પર છે, પણ બીજા મોટા સાહેબોને આઈસીયુઓન વ્હીલનો વિચાર જરાય ન આવ્યો? કે પછી આરોગ્ય વિભાગને ખ્યાલ જ ન રહ્યો સહિતની ચર્ચાઓએ જોર પકડ્યું છે.