અરવલ્લીમાં કોરોનાનો કોહરામ : ૩૬ કલાકમાં ૧૦ થી વધુ મોત,ઈન્જેકશન, ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત કફોડી…!!
મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં દિનપ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત છે અને રેમેડીસીવીર ઈન્જેકશન માટે પણ લોકો આમથી તેમ દોડી રહયા છે. જયારે કોવિડ હોસ્પિટલોમાં પુરતાં ઓક્સિજનનો અભાવ હોવાથી દર્દીઓની હાલત પણ કફોડી બની જવા પામી છે.અરવલ્લી જીલ્લામાં કોરોનાના દર્દીઓ સાથે મોતનો આંકડો સતત વધવા લાગતા લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે જીલ્લામાં છેલ્લા ૩૬ કલાકમાં ૧૦ થી વધુ લોકોના કોરોનાથી મોત નિપજતા ભારે ચકચાર મચી છે કેટલાક દર્દીઓને સમયસર ઓક્સીજન અને સારવાર ન મળતા દર્દીઓએ દમ તોડી દીધો હોવાનો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે વહીવટી તંત્ર કોરોનામાં સપડાયેલ દર્દીઓ માટે સતત દોડધામ કરી રહી હોવાની સાથે બેડની સંખ્યા અને કોવીડ-૧૯ સેન્ટર ઉભા કરવાની સાથે ખાનગી હોસ્પિટલોને પણ સરકારી ગાઈડલાઈન અનુસાર કોરોનાના દર્દીઓની સારવાર કરવા તંત્ર તબીબો સાથે વાટાઘાટો શરૂ કરી દીધી છે
મોડાસા શહેર અને જિલ્લામાં કોરોનાના કેસોમાં દિનપ્રતિદિન વધારો નોંધાઈ રહયો છે તો બીજી તરફ પુરતી સગવડતા નહીં મળવાના કારણે અનેક દર્દીઓ મોતને પણ ભેટી રહયા છે. મોડાસા શહેર અને જીલ્લામાં પણ કોરોનાના કેસ બેકાબુ બન્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધી રહેલા કેસોથી લોકોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં બેડની અછત છે તો રેમેડીસીવીર ઈન્જેકશન માટે પણ દર્દીઓના સ્વજનો આમથી તેમ ભટકવું પડે છે. કોરોના દર્દીઓ માટેના ઈન્જેકશનો ઉપલબ્ધ ના હોવાથી સ્વજનોને ભારે હાડમારી ભોગવવી પડે છે તો ઘણા કિસ્સામાં ઉંચી કિંમત ચુકવીને ઈન્જેકશન લાવવા પડે છે. ઈન્જેકશનની અછત હોવાના કારણે ખાનગી તબીબો પણ સારવારમાં લાચાર બન્યા છે.
જીલ્લામાં મલ્ટીપ્લેક્સ સારવાર કરતી હોસ્પિટલોને કોવિડ સારવારની મંજુરી આપી તો છે પરંતુ હોસ્પિટલોને ઈન્જેકશનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ના ફળવાતાં દર્દીઓને રઝળી પડવાની નોબત આવી રહી છે. આમ જીલ્લામાં લોકો હાલમાં ઓક્સિજન અને ઈન્જેકશનના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહયા છે ત્યારે થોડા દિવસ અગાઉ જીલ્લાના ત્રણે કોંગ્રેસી ધારાસભ્યોએ જિલ્લા કલેકટર સમક્ષ ઈન્જેકશન તેમજ ઓક્સિજનનો જથ્થો કોવિડ હોસ્પિટલો તથા સીએચસી ખાતે ઉપલબ્ધ કરાવવાની માંગ કરી હતી. હાલની પરિસ્થિતિથી વાકેફ જીલ્લા કલેક્ટર અને આરોગ્ય તંત્ર પણ સતત દોડાદોડી કરી રહ્યા છે