અરવલ્લીમાં કોરોના બોમ્બ વિસ્ફોટ : એક જ દિવસમાં ૨૫ કેસ કોરોના પોઝીટીવ થતાં જિલ્લામાં હડકંપ

કુલ-૪૭ કેસ -લોકોમાં ફફડાટ
સમગ્ર વિશ્વને કોરોના વાઈરસે હચમચાવી મુક્યું છે. વિશ્વમાં લાખો લોકો કોરોનાના સંક્રમણમાં આવી ચુક્યા છે. સાથે સરકારે લોકડાઉન દોઢ મહિનાથી જાહેર કર્યું છે છતાંય કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધતો જઇ રહ્યો છે. આ કહેર વધવા પાછળ લોકોની ભયાનક હદે બેદરકારી અને તંત્રની ઢીલી અને દિશાહીન નિતીએ ભાગ ભજવ્યો હોવાનું કેટલાક લોકો જણાવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા ૪૦ હજારને પાર થઇ ગઇ છે. અત્યાર સુધી વાયરસની ઝપટમાં આવવાથી ૧૩૦૦ થી વધુ દર્દીઓના મોતને ભેટ્યા છે
જ્યારે ૧૦ હજારથી વધુ લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે. અગાઉ અરવલ્લી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થતા એક જ દિવસમાં ૯ કેસ કોરોના પોઝેટીવ નોંધાયા હતા. જ્યારે અરવલ્લી જિલ્લામાં અગાઉ છુટા છવાયા મળીને ૨૨ કેસ નોંધાયા હતા. પરંતુ બુધવારના રોજ અરવલ્લી જિલ્લામાં અચાનક કોરોના મહાવિસ્ફોટ થયો હતો અને એક સાથે ૨૫ કેસ પોઝીટીવ આવતાં સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં બુધવારના રોજ રીતસરનો કોરોના બોમ્બ ફાટ્યો હતો અને જિલ્લાના જુદા જુદા સ્થળે મળીને ૨૫ કેસ નોંધાયા હતા. ત્યારે અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીના કુલ ૪૭ કેસ નોંધાયા સમગ્ર જિલ્લામાં હડકંપ મચ્યો છે.
જિલ્લાના મોડાસામાં પાંચ, શિલાદ્રી, શોભાયડામાં ત્રણ, ટીંટોઈ, બ્રહ્મપુરી, અમલાઈમાં ત્રણ, લિંભોઈ, મેઘરજ, સુરપુર, જનાલી ટાંડામાં ત્રણ, કરણપુર, સુનોખ, શામપુર, ખડોદા અને જાબચીતરીયામાં કેસ નોંધાતાં ગ્રામજનોમાં પણ ભારે ફફડાટ વ્યાપ્યો છે. લોકડાઉન-૧માં એક પણ કેસ અરવલ્લી જિલ્લામાં નહોતો જ્યારે લોકડાઉન-૨માં ૨૨ કેસ અરવલ્લી જિલ્લામાં નોંધાયા હતા અને હવે લોકડાઉન-૩માં વધુ ૨૫ કેસ નોંધાતાં અરવલ્લી જિલ્લામાં ૪૭ કેસ પોઝીટીવ થયા છે. અને હજુ કેટલાક રીપોર્ટ પેન્ડીંગ છે ત્યારે જિલ્લાનું શું થશે તે ચિંતામાં જિલ્લાવાસીઓ ગરકાવ થયા છે.