અરવલ્લીમાં ખાણ ખનીજ દ્વારા બિનઅધિકૃત ખનિજના કેસોમાં ચાલુ વર્ષે રૂ.૧૩૧ લાખ વસુલાયા
સઘન ચેકિંગ હાથ ધરી છેલ્લા ૧૫ દિવસમાં જિલ્લામાં ૧૭ કેસો કરી અંદાજે ૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો અરવલ્લી જિલ્લામાં અવારનવાર ખાણખનિજની ઘટનાઓ ઘટતી હોય છે, જેને પગલે જિલ્લા ખાણખનિજ દ્વારા જિલ્લામાં સઘન ચેકિંગ હાથ ધરાતું હોય છે.
જે અંતર્ગત ચાલુ વર્ષે પણ જિલ્લામાં ખનિજ ચોરીની ફરિયાદો મળતા જિલ્લા ખાણ ખનિજ દ્વારા રાત્રે અને દિવસે ઓચિંતું ચેકિંગ હાથ ધરી અરવલ્લી જિલ્લા ખાણ ખનિજ ખાતાના ભૂસ્તરશાસ્ત્રી મન ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ટીમ દ્વારા ચાલુ માસમાં ગેરધોરણ ખનિજ ખનન-વહન-સંગ્રહ બદલ કુલ ૧૭ કેસો કરી અંદાજે ૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કલેકટરશ્રીની કચેરીમાં વાહનોનો ખડકલો કરી દેવામાં આવ્યો. આ કેસોમાં રૂ.૨૫ લાખની દંડકીય વસુલાત કરવા નોટિસ પાઠવવામાં આવી. જેને પગલે રૂ.૧૮ લાખની વસુલાત થયેલ છે.
જિલ્લામાં ચેકિંગની કામગીરીના પરિણામે ચાલુ નાણાકીય વર્ષ દરમ્યાન ગેરધોરણે ખનન-વહન-સંગ્રહ બદલ કુલ ૧૦૦ જેટલા કેસો કરી કુલ રૂ.૧૩૧ લાખની દંડકીય રકમની વસુલાત કરવામાં આવી તથા રૂ.૫૪૮૩ લાખ મહેસૂલી આવક થઈ છે.
આગામી સમયમાં પણ સઘન ચેકિંગ હાથ ધરી ગેરધોરણે ખનન-વહન-સંગ્રહમાં સંકળાયેલા ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર ઇસમો અને મુદ્દામાલ ઝડપી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
દિલીપ પુરોહિત. બાયડ